સચીન જીઆઈડીસી ગેસ કાંડના આરોપીના વચગાળાના જામીન રદ
મુંબઈની હાઈકેલ કંપનીના ઝેરી કેમીકલને વડોદરાની કેમીકલ કંપનીના ટ્રાન્સપોર્ટરનું ટેન્કર નહેરમાં ઠાલવતા છના મોત થયા હતા
સુરત
મુંબઈની હાઈકેલ કંપનીના ઝેરી કેમીકલને વડોદરાની કેમીકલ કંપનીના ટ્રાન્સપોર્ટરનું ટેન્કર નહેરમાં ઠાલવતા છના મોત થયા હતા
સચીન જીઆઈડીસી ગેસકાંડ તથા સાપરાધ મનુષ્ય વધના કેસમાં બે વર્ષથી જેલવાસ ભોગવતા ભરુચવાસી આરોપીએ 30 દિવસના વચગાળાના જામીન માટે કરેલી માંગને એડીશ્નલ સેશન્સ જજ અતુલકુમાર આર.પટેલે નકારી કાઢી છે.
મુંબઈની હાઈકેલ કેમીકલ કંપનીના ઝેરી કેમીકલને વડોદરાના કેમીકલ કંપનીના ટ્રાન્સપોર્ટર દ્વારા ગઈ તા.6-1-22ના રોજ સચીન જીઆઈડીસી રોડ નં.3 પર વિશ્વાપ્રેમ મીલની પાસે ટેન્કર ચાલક દ્વારા ઠાલવવામાં આવ્યું હતુ.જેના કારણે ઝેરી ગેસની અસર થતાં 6 કારીગરોના મોત તથા 29ના સ્વાસ્થ્ય પર વિપરિત અસર થવા પામી હતી.જેથી સચીન જીઆઈડીસી પોલીસ મથકમાં મુંબઈ-વડોદરાની કેમીકલ કંપનીના સંચાલકો,કર્મચારીઓ તથા ટ્રાન્સપોર્ટર અને ટેન્કર ચાલક વિરુધ્ધ સાપરાધ મનુષ્ય વધના ગુનાઈત કારસાની ફરિયાદ નોધાઈ હતી.આ કેસમાં આરોપી મૈત્રેય સન્મુખ વૈરાગી(રે.મુક્તાનંદ સોસાયટી,ભરુચ)ની ગઈ તા,17-10-22ના રોજ ધરપકડ કરી ૯ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ જેલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
હાલમાં જેલવાસ ભોગવતા આરોપીએ પોતે એક માત્ર કમાનાર વ્યક્તિ હોય વયોવૃધ્ધ માતા પિતાની જવાબદારી છે.જેથી તેમના માટે નાણાંકીય વ્યવસ્થા કરવા માટે 30 દિવસના વચગાળાના જામીન આપવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી સંતોષકુમાર ગોહીલે તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપીની અગાઉ પણ બે વાર વચગાળાના જામીનની માંગ નકારવામાં આવી છે.પોતે કઈ રીતે નાણાંકીય વ્યવસ્થા કરવા માંગે છે તે જણાવ્યું નથી.હાલમાં ટ્રાયલ ચાલુ હોઈ આરોપીને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા કરે કે ટ્રાયલમાં હાજર ન રહે તેવી સંભાવના છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપીના વચગાળાના જામીનની માંગને નકારી કાઢી છે.