Get The App

સાબરમતી નદી પહેલીવાર બે કાંઠે વહેતી થઈ, સપાટીથી ત્રણ ફૂટ ઊંચા વહેણ

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
સાબરમતી નદી પહેલીવાર બે કાંઠે વહેતી થઈ, સપાટીથી ત્રણ ફૂટ ઊંચા વહેણ 1 - image


Sabarmati River Water Level : છેલ્લા ત્રણ ચાર દિવસથી પડેલા વરસાદની હેલીથી પાટનગર ગાંધીનગર પાણીથી તરબતર થયું છે. ત્યારે શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં  જુલાઈ માસના અંતે જ પાણી આવ્યું છે. અષાઢ માસમાં જ મેઘમહેર થતાં સૂકીભઠ્ઠ સાબરમતીમાં વહેણ જોવા મળ્યા છે. ત્યારે ઉપરવાસમાં અને ગાંધીનગરમાં પણ સારો વરસાદ પડવાને પગલે નદીમાં પાણીની આવક થઈ છે. એટલું જ નહીં, સતત વરસાદના પગલે નદીમાં અઢીથી ત્રણ ફૂટ પાણી આવ્યું છે. સંત સરોવરમાં પણ પાણી પહોંચી ગયું છે. ત્યારે આવનારા દિવસોમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે તો નદીમાં પાણીની સપાટી વધુ ઊંચી આવશે. 

આગાહી અને અનુમાન પ્રમાણે આ વખતે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ચોમાસાની શરુઆતથી જ મેઘરાજા સમગ્ર ગુજરાતમાં મન મૂકીને વરસતાં નદીઓ ફરી સજીવન થઈ ગઈ છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વર્ષાની હેલી ચાલી રહી છે. ઉપરાંત માણસા સહિત ઉપરવાસમાં પણ મેઘમહેર થઈ છે જેના કારણે સાબરમતી નદીમાં નવા નીર તો આવ્યા જ છે સાથે સાથે સેક્ટર 30 પાસેથી પસાર થતી નદી બે કાંઠે વહેતી પણ જોવા મળી રહી છે. 

આ પણ વાંચો : તોતિંગ વધારા સાથે કોલેજોનું 3 વર્ષનું નવું ફી માળખુ જાહેર, જાણો કેટલો થયો વધારો

સમગ્ર ગુજરાતની સાથે સાબરમતી નદીના ઉપરવાસમાં સાબરકાંઠા, બનાસકાંઠા વિસ્તારમાં પણ સારો એવો વરસાદ પડવાથી ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં જુલાઈ માસના અંતે બે કાંઠે પાણી વહેતું જોવા મળી રહ્યું છે. ગાંધીનગરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાલતી વર્ષાની હેલીએ શહેરને તરબતર કરવાની સાથે સૂકી સાબરમતીને પણ પાણીથી ભીંજવી દીધી છે. વરસાદને કારણે સાબરમતીમાં પાણી આવતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. પાણીના વધામણા કરવા નદી કિનારે લોકોના ટોળા ઉમટેલા જોવા મળ્યા હતા. પાણી જોવા માટે પુલ ઉપર પણ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જો કે, હજી સુધી ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું નથી તેવા અહેવાલો સ્થાનિક તંત્ર પાસેથી મળી રહ્યા છે. 

આગાહી અને અગાઉના વર્ષોના અનુભવને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સાબરમતી નદી કિનારાના ગામોને ઍલર્ટ કરી દીધા છે. અહીં તલાટી અને સરપંચને જરૂરી બોર્ડ લગાવીને નદીમાં નહીં જવા માટેની સૂચના આપવા પણ જણાવવામાં આવ્યું છે તેમ છતાં નદીમાં લોકો જીવના જોખમે જઈ રહ્યા છે અને તંત્ર કોઈ પગલા ભરતું નથી. જે આગામી દિવસોમાં મોટી દુર્ઘટના નોંતરશે.

આ પણ વાંચો : અમદાવાદમાં જો આ સ્થિતિ રહી તો બેંગ્લોર જેવો વારો આવશે, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

સંતસરોવરમાં 1500 ક્યુસેક જેટલા પાણીની પ્રથમ આવક

હજી ધરોઈ ડેમ ભરાવવાની ખૂબ જ વાર છે ત્યારે સાબરમતી નદીમાં આવેલા પાણીનો લાકરોડાના બેરેજમાં પણ સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. તો બીજીબાજુ સંતસરોવરમાં પણ વરસાદી પાણીની આવક વધી છે અને લાકરોડાથી પાણી સંતસરોવર પણ પહોંચી ગયું છે. ત્યારે અહીંના તમામ દરવાજા બંધ કરીને પાણીનો સંગ્રહ કરવામાં આવશે. હાલની સ્થિતિએ 1500 ક્યુસેક જેટલું સામાન્ય જ પાણી આવ્યું હોવાનું જણાવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિમાં હવે ભારે વરસાદ પડવાની સાથે પાણીની આવક વધશે તો સંત સરોવરમાં પાણીની સપાટી ઊંચી આવશે જેનાથી સંત સરોવરથી લઈને સેક્ટર 30થી બ્રિજ તરફ કૃત્રિમ સરોવર સર્જાશે.


Google NewsGoogle News