સાબર ડેરીમાં ભાવફેર ચૂકવવા મુદ્દે હંગામો, ગત વર્ષે 610 કરોડ સામે ચાલુ વર્ષે 258 કરોડ ચૂકવ્યા

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
Sabar-Dairy


Uproar in Saber Dairy : હિંમતનગરની સાબર ડેરી પ્રથમ વખત નવ મહિનાનો રૂપિયા 258 કરોડ દૂધનો ભાવફેર ચૂકવી દેવાયો છે. જે ગત વર્ષે વાર્ષિક 910 કરોડ ચૂકવાયો હતો. ચાલુ વર્ષે નવ મહિનાનો આચમનરૂપ રૂ. 258 કરોડ ભાવ ફેર ચૂકવવા મામલે વિરોધ શરૂ થયો છે. સભાસદોમાં વર્ષ આખરનો ભાવફેર ક્યારે, કેટલો મળશે અને બાકીનો ભાવફેર કેમ ચૂકવાયો નથી તે બાબતની અસમંજસતા સર્જાતા ગુરૂવારે ભાજપમાં જોડાયેલા બાયડના અપક્ષ ધારાસભ્ય સહિત કેટલીક દૂધ મંડળીઓના ચેરમેન અને સિમિતીએ સાબરડેરી સામે હલ્લાબોલ મચાવ્યો હતો અને ડેરીના ગેટે તાળાબંધી કરી હતી. જયારે ચેરમેન, એમ.ડી. સહિતના ડિરેક્ટરોએ બાયડ ધારાસભ્ય સાથે બેઠક યોજી હતી.જો કે બાદમાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં કમિટી બનાવી નિયામક મંડળે દૂધના વાર્ષિક ભાવફેર મામલે સમાધાન સાધી મામલો થાળે પાડ્યો હતો. બીજી તરફ આચાર સંહિતા હટ્યા પછી પણ સાબરડેરીના ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી ન થતાં ડિરેક્ટરોમાં પણ અંદરખાને છૂપો રોષ પ્રવર્તિ રહ્યો છે. 

સાબરડેરી દ્વારા પશુપાલકોને દર વર્ષે ભાવફેર ચુકવવામાં આવે છે અને તેના કારણે પશુપાલકોનું જે કોઈ દેવું કે પરિવાર માટે ખર્ચ કરવાનો હોય તે આસાનીથી કરી શકતા હોય છે. સમગ્ર રાજ્યના 7 દૂધ સંથોમાં સાબરડેરીના સારા વહીવટની છાપ ઉભી કરવામાં આવી છે. ગત રોજ જૂના નિયામક મંડળ દ્વારા મંજૂર કરેલી ભાવફેરની રકમ નવા ચૂંટાયેલા નિયામક મંડળે બહાલ ફરી 9 મહિનાનો ભાવફેર રૂપિયા ચૂકવવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભાજપમાં જોડાયેલા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ગણતરીના કલાકોમાં વિરોધ કર્યો હતો અને ગત વર્ષે અંદાજીત રૂપિયા 610 કરોડનો ભાવફેર ચૂકવ્યો હતો તો પછી 9 મહિનાનો માત્ર 258 કરોડ ભાવફેર કેમ? તમે બાકી રહેલા ૩ મહિનાનો ૩00 કરોડ ભાવફેર ચૂકવશો ?

તેવા પ્રશ્નો ઉભા કરી પશુપાલકોને ભાવ વધારો, નફો કેટલા ટકા અને કેટલી રકમનો ચૂકવવા માંગો છો? તેવી માંગ સાથે ગુરુવારે સાબરડેરીના પ્રવેશદ્વારે પહોંચતાં તેમને અટકાવી દેવામાં આવ્યા હતા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દૂધ મંડળીઓના ચેરમેન અને દૂધ ઉત્પાદક સભાસદો સાથે સાબરડેરી ખાતે આવી એમ.ડી. તેમજ ચેરમેનને લેખિત રજૂઆત કરી હતી. તે અગાઉ હિંમતનગર સાબરડેરી ખાતે આવી પહોંચેલા અનેક સભાસદોએ ભાવફેર મામલે બળાપો ઠાલવ્યો હતો.

સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ અને એમ.ડી. સુભાષભાઈ પટેલ તેમજ નિયામક મંડળ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત સભાસદોની કમિટી બનાવી જી. વિવિકાસનો બેઠક યોજી હતી. ભાવફેર આમલીય નવુ ચૂંટાયેલુ નિયામક મંડળ હાલમાં ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણી થયેલ ન હોવાથી જાન્યુઆરી 2024 થી સંઘના કોઇપણ નિતીવિષયક નિર્ણયો લેવા કે વાર્ષિક હિસાબો મંજૂર કરી શકાતા નથી. જેથી ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણી પૂર્ણ થયે નવું ચૂંટાયેલું નિયામક મંડળ તાકીદે વાર્ષિક હિસાબો મંજૂર કરી સાધારણ સભા બાદ વર્ષ આખરનો ભાવફેર ચૂકવી આપશે તેવી ખાતરી આપી હતી. દૂધ ઉત્પાદકોના સાબરડેરી સામે હલ્લાબોલ કાર્યક્રમ સંદર્ભે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.  

સાબરડેરીના ચેરમેન શું કહે છે? 

સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલે જણાવ્યુ હતુ કે ગત વર્ષે સભાસદોને સરેરાશ કિલો ફેટના રૂા.933 પ્રમાણે ભાવ ચૂકવાયા હતા. જેની સામે ચાલુ વર્ષે દૂધ ઉત્પાદકોને રૂા.850 પ્રમાણે ભાવ ચૂકવ્યા હોવા છતાં સરેરાશ કિલો ફેટના અંદાજીત રૂા.970ની આસપાસનો ભાવ ચૂકવવાનો અંદાજ છે. હાલમાં દૂધ મંડળીઓને દૂધબીલમાં નવ મહિનાની રીટેઈન મનીની રૂા.258 કરોડની રકમ ચૂકવી દેવાઈ છે.

બાયડના ધારાસભ્યનો લેટર બોમ્બ : બાકી મંડળીઓને ક્યારે સભાસદ બનાવો છો ? 

બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ભાજપનું શાસન છે તેવી સાબરડેરી સામે ભાવફેર મુદ્દે મોરચો માંડયો છે. એમ.ડી.ને લખેલા લેટર બોમ્બમાં તેઓએ ભાવફેરનો નફો કેટલા ટકા અને બાકી રહેલા ૩ મહિનામાં રૂપિયા ૩00 કરોડ ભાવફેર કેવી રીતે ચૂકવશો? તેની સ્પષ્ટતા માંગી છે ઉપરાંત સરકારના પરિપત્ર પછી પણ રજિસ્ટર મંડળીઓને સભાસદ બનાવવા માટેની સૂચના છતાં કેમ તે અંગે કાર્યવાહી થઈ નથી? તેની વિગતો માંગી છે.


Google NewsGoogle News