Get The App

ભાજપના કદાવર નેતાઓ રૂપાણી-પાટીલે BU પરમિશન વગરના 2 ભાજપ કાર્યાલય ખુલ્લાં મૂક્યાં!

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
ભાજપના કદાવર નેતાઓ રૂપાણી-પાટીલે BU પરમિશન વગરના 2 ભાજપ કાર્યાલય ખુલ્લાં મૂક્યાં! 1 - image


જૂનાગઢમાં શાસક ભાજપ દ્વારા જ કાયદાનું સરેઆમ ચીરહરણ ચાવડાએ પોલ ખોલતાં લાજેલી મનપાએ સાત વર્ષે જિલ્લા ભાજપ કાર્યાલયને નોટિસ આપી, માર્જીન મુદ્દે તપાસની હિંમત જ ન કરી

જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લા ભાજપના ગેરકાયદેસર બાંધકામનો વિવાદ હવે વધુ વકર્યો છે. ભાજપના ભૂતપૂર્વ મંત્રી જવાહર ચાવડાના લેટર બોમ્બ બાદ મહાપાલિકાનું તંત્ર ઉંઘતું ઝડપાયું છે અને જિલ્લા ભાજપ કાર્યાલય ધમધમતું થયું તેને સાત વર્ષ થયા છતાં હજુ બિલ્ડિંગ યુસેજ પરમિશન જ ન હોવાથી નોટિસ ફટકારી છે, જ્યારે આજે નવો ઘટસ્ફોટ થયો કે તાજેતરમાં સી.આર. પાટીલ દ્વારા ઉદ્દઘાટિત શહેર ભાજપના કાર્યાલયને પણ બીયુ સર્ટીફિકેટ નથી. આના પરથી ફલિત થાય છે કે ભાજપે સત્તાના મદમાં કાયદાને પણ જાણે ગજવે ઘાલ્યા છે, કાયદાઓ સામાન્ય લોકો માટે જ છે અને સત્તાધારી ભાજપને ગમે તેવા નિયમોનો ઉલાળીયો કરવાની છૂટ છે. આ ગતિવિધિમાં માત્ર સ્થાનિક નેતાઓ જ નહી પરંતુ પ્રદેશના નેતાઓ પણ સમર્થન આપતા હોવાનું સામે આવ્યું છે.

ચૂંટાયેલા નેતાઓને પ્રજાહિતના અને સુખાકારી માટેના કાયદાઓ ઘડવાના હોય છે, જ્યારે અધિકારીઓએ તેમનું પાલન કરાવવાનું હોય છે પરંતુ અમુક અધિકારીઓ કાયદાઓની અમલવારી માત્ર સામાન્ય લોકો પર જ કરે છે. ભાજપના નેતાઓ માટે કે ભાજપની મિલ્કત માટે જાણે કોઈ કાયદાઓ જ ન હોય તેવો ઘાટ જૂનાગઢમાં જોવા મળે છે. ભાજપના નેતા જવાહર ચાવડાએ થોડા દિવસથી ભાજપના નેતાઓની અને ભાજપનાં કાર્યાલયની પોલ ખોલવાનું શરૂ કર્યું છે. ભાજપનાં કાર્યાલયનાં બાંધકામમાં શરત ભંગ અને 24 મીટર માર્જીનની જગ્યા ન મુકી હોવાનો આક્ષેપ કર્યો હતો, જે મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખે આડકતરી રીતે સ્વીકારી લીધુ કે બાંધકામ રેગ્યુલરાઈઝ કરવા ઈમ્પેક્ટ ફી ભરી દઈશું. આ જવાબથી અનેક સવાલો ઉભા થયા હતા એવામાં આ અંગેની વધુ તપાસ કરતા નવા-નવા ઘટસ્ફોટ થયા છે.

જૂનાગઢમાં ખામધ્રોળ ચોકડી સ્થિત જિલ્લા ભાજપનાં કાર્યાલયનું તા. 20 ઓગસ્ટ 2017ના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. કાર્યાલય બન્યું ત્યારથી લઈ આજ સુધી તેમને બીયુ(બાંધકામ વપરાશ માટેનું સર્ટી) આપવામાં આવ્યું નથી અને ભાજપ કાર્યાલય દ્વારા બીયુ સર્ટી માટે માગણી પણ કરવામાં આવી નથી. સાત વર્ષથી બીયુ સર્ટી વગર ભાજપનું કાર્યાલય ધમધમી રહ્યું છે. શા માટે આ અંગે મનપા દ્વારા કોઈ જાતની કાર્યવાહી કરવામાં ન આવી ? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. થોડા સમય પહેલા બીયુ સર્ટી માટે અનેક બાંધકામોને નોટિસ આપી તેના પર કાર્યવાહી કરવામાં આવી અને હજુ પણ ચાલી રહી છે, તો ભાજપના કાર્યાલયને બીયુ સર્ટી ન હોવા છતાં તેની સામે આજ દિન સુધી શા માટે કોઈ જાતની કાર્યવાહી કરવામાં ન આવી ? પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ ભાજપ કાર્યાલયની પોલ ખોલતા મનપાનું તંત્ર હરકતમાં આવ્યું હોય તેમ તપાસ કરવા જવાના હતા પરંતુ હજુ તપાસ કરવાની હિંમત ચાલતી નથી.

જિલ્લા ભાજપનાં કાર્યાલયે નિયમ મુજબ નેશનલ હાઈવેની મધ્ય રેખાથી 24 મીટર માર્જીનની જગ્યા છોડવાની હતી તે છોડી નથી જેના લીધે બીયુ સર્ટી મળવું નિયમ મુજબ અશક્ય છે. જિલ્લા ભાજપ કાર્યાલયની નજીક જે કોમર્શિયલ બાંધકામ ચાલી રહ્યું છે તેમાં રસ્તાની મધ્ય રેખાથી ર૪ મીટર જેટલી માર્જીનની જગ્યા છોડી હોય તેવું ગૂગલ મેપમાં તથા સ્થળ પરથી પણ જોવા મળી રહ્યું છે. તેની નજીક જ આવેલ ભાજપનું દીનદયાળ ભવન અને રસ્તાની વચ્ચે માત્ર બે-ત્રણ મીટર જેટલું જ અંતર જોવા મળે છે. 

બીજી તરફ, જૂનાગઢના ઝાંઝરડા ચોકડીથી શાંતેશ્વર રોડ પર શહેર ભાજપનું કરોડોના ખર્ચે કાર્યાલય બનાવવામાં આવ્યું હતું જેનું પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે તા. 31 માર્ચ 2024ના ઉદ્દઘાટન કર્યું હતું. આ કાર્યાલય બન્યાને છ માસ જેટલો સમય થયો હોવા છતાં હજુ સુધી તેને પણ બીયુ સર્ટી નથી.

વિવાદ બાદ મનપા તંત્ર દ્વારા નોટિસનું નાટક

આ સમગ્ર મામલે મનપાના એસટીપીઓ બિપીન ગામીતે જણાવ્યું હતું કે, ખામધ્રોળ ચોકડી નજીક આવેલા જિલ્લા ભાજપ કાર્યાલયને બીયુ સર્ટી નથી જેથી તેને નિયમ મુજબ બીયુ સર્ટી માટે કાર્યવાહી કરવાની નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે શહેર ભાજપના કાર્યાલયને બીયુ નથી તેના સવાલના જવાબમાં એસટીપીઓએ જણાવ્યું હતું કે, તેનું બીયુ હોવા અંગેનું ધ્યાનમાં નથી.


Google NewsGoogle News