Get The App

ભાજપના 'રૂપાલા' મુશ્કેલીમાં, રાજકોટ કોર્ટમાં કેસ દાખલ, ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજની માગ

Updated: Mar 29th, 2024


Google NewsGoogle News
ભાજપના 'રૂપાલા' મુશ્કેલીમાં, રાજકોટ કોર્ટમાં કેસ દાખલ, ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજની માગ 1 - image


Lok Sabha Elections 2024: લોકસભાની રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થયેલા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ રાજા મહારાજાઓ, ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવી ખોટી અને નિમ્નસ્તરીય ટપ્પણીથી રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. 

રૂપાલાની ટિકિટ રદ કરે તેવી ક્ષત્રિય સમાજની માંગ

ગરુવારે રાજ્યના 90 જેટલા ક્ષત્રિય સંગઠનોના હોદ્દેદારો, પ્રતિનિધિઓની બોટાદ ચોકડી પાસે રાજપૂત સમાજ ભવન ખાતે બેઠક યોજાઈ હતી જેમાં રૂપાલા સામે તીવ્ર રોષ વ્યક્ત કરીને તેમની લોકસભામાં ઉમેદવારી રદ કરાય તેવી માંગણી ઉચ્ચારાઈ છે. આ અંગે ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાનો સંપર્ક સાધતા જણાવ્યું કે રાજકીય નેતાઓ સમાધાનના પ્રયાસો થઈ રહ્યાની વાતો કરે છે પરંતુ, અમે આવા કોઈ પ્રયાસો કર્યા નથી. પરશોત્તમ રૂપાલા પોતે એક શિક્ષિત વ્યક્તિ છે, તેમણે ભાષણમાં જે કહ્યું તે જાણીબુઝીને કહ્યું છે અને તેને માત્ર એક વિડીયોમાં માફી માંગી લે એટલે માફ કરી દેવા ક્ષત્રિય સમાજ તૈયાર નથી. ભાજપ તેની ઉમેદવારી રદ કરે તેવી માંગણી અમે કરી છે. 

લાઠી સ્ટેટના રાજવી પરિવારના વંશજે કર્યો બદનક્ષીનો દાવો

કોંગ્રેસ નેતા અને લાઠી સ્ટેટનાં રાજવી પરિવારના વંશજ આદિત્યસિંહ ગોહિલે રાજકોટ કોર્ટમાં ધસી જઈને પરશોત્તમ રૂપાલા સામે જાહેરસભામાં મત મેળવવાની લાલચે ક્ષત્રિય સમાજને નીચા દેખાડવા તેવો વિડીયો વાયરલ થયો છે તે અંગે આઈ.પી.સી.499,500 હેઠળ ફરિયાદ કરી છે. રૂપાલા સામેના રોષને વાચા આપવા ત્રણ-ચાર દિવસ બાદ રાજકોટમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજવા પણ જાહેર કરાયું છે તેમ ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું હતું.

રૂપાલા સામે ઊંઝામાં પોલીસ ફરિયાદ

ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુધ્ધ ટિપ્પણી કરતાં ક્ષત્રિય સમાજમાં બેઠકોનો દોર શરૂ થયો છે. એટલુ જ નહીં, સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં ય વિરોધ વંટોળ ઉઠ્યો છે. ઉંઝામાં રુપાલા વિરૂધ્ધ પોલીસ સ્ટેશને ફરિયાદ એપવામાં આવી છે. અમદાવાદમાંય ક્ષત્રિયોની એક બેઠક મળી હતી જેમાં મતના માધ્યમથી ભાજપને સબક શિખવાડવા નક્કી કરાયુ છે. બીજી તરફ, આ વિવાદને થાળે પાડવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને મેદાને ઉતાર્યા છે. જોકે અન્ય ક્ષત્રિયો એકેય આગેવાનનું માનવા તૈયાર નથી. રાજ્ય ચૂંટણી પંચમાં રુપાલા વિરુધ્ધ ફરિયાદ થઈ છે. ચૂંટણી પંચે રાજકોટ કલેક્ટર પાસે રિપોર્ટ માંગ્યો છે.


Google NewsGoogle News