સુરત પાલિકા વિસ્તારમાં કોટેજ ઈન્ડસ્ટ્રીઝના નામે થતા ગેરકાયદે બાંધકામ માટે બે ઝોનના નિયમો અલગ અલગ
image : Filephoto
Surat Corporation : સુરત પાલિકા વિસ્તારમાં કોટેજ ઈન્ડસ્ટ્રીઝના નામે ગેરકાયદે બાંધકામ થઈ રહ્યાં છે અને તેના કારણે રહેણાંક વિસ્તારના લોકોની મુશ્કેલી વધી રહી છે. જોકે, પાલિકાના વરાછા ઝોન અને કતારગામ ઝોનમાં રહેણાંક વિસ્તારમાં કોટેજ ઈન્ડ.ના નામે ગેરકાયદે બાંધકામ થાય છે અને તેના કારણે લોકોની હેરાનગતિ એક સરખી ફરિયાદ છે. ગઈકાલે કતારગામ ઝોન સામે મોરચો આવ્યો હતો અને બુધવારે ઝોન દ્વારા ડિમોલિશનની કામગીરી શરુ કરવામાં આવી છે. પરંતુ રાજકારણીઓને કરોડોનો વહીવટ થયો છે તેવા પુણાના કોટેજ ઈન્ડ.માં થયેલા ગેરકાયદે બાંધકામ માટે અઢી વર્ષથી રજૂઆત પણ કોઈ નક્કર કામગીરી નહી, મેયર ઓફિસમાં તોડ કોણે કર્યો તેની ચર્ચા થઈ રહી છે.
પાલિકાના કતારગામ ઝોનમાં રહેણાંક વિસ્તારમાં કોટેજ ઈન્ડ.ના નામે નિયમ વિરુધ્ધ બાંધકામ થાય છે અને તેના કારણે વસવાટ કરનારાઓની હાલત કફોડી થઈ રહી છે અને ઝોન દ્વારા કોઈ કામગીરી થતી નથી તે પ્રકારની રજુઆત અને આક્ષેપ સાથે મોરચો આવ્યો હતો અને આજે પાલિકાએ ડિમોલીશનની કામગીરી હાથ ધરી દંડ પણ વસુલ્યો છે.
જ્યારે બીજી તરફ સુરત પાલિકાના વરાછા ઝોનમાં ગેરકાયદે બાંધકામ કરનારા, રાજકારણીઓ અને અધિકારીઓના મેળાપીપણામાં કોટેજ ઇન્ડસ્ટ્રીયલ પ્રમાણે પ્લાન પાસ કરીને પાલિકાના પ્લાન વિરુધ્ધ અનેક બાંધકામ થઈ રહ્યાં છે. આ અંગે છેલ્લા બે વર્ષથી ફરિયાદ થઈ રહી છે પરંતુ આ ગેરકાયદે પ્રવૃત્તિ અટકવાને બદલે વધી રહી છે.ગઈકાલે મોરચા દરમિયાન પુણા વિસ્તારની વાત નીકળી હતી અને મેયરે વિપક્ષી નેતાને પુણા વિસ્તારની કોટેજ ઇન્ડસ્ટ્રીના કિસ્સામાં કોણે કેટલો તોડ કર્યો છે એ બધું ખબર છે તેવું કહી દીધું હતું. તો સામે વિપક્ષી નેતાએ પણ તમે અમારા મોઢામાંથી બોલાવો નહીં, ત્યાં કોણે કેટલા રૂપિયા લીધા છે તે બધું ખબર છે તેવું કહીને તોડ થયો હોવાની વાત કબૂલી લીધી હતી.
આ બે મોરચા બાદ પાલિકામાં એવી ચર્ચા શરુ થઈ ગઈ છે કે જેમાં કરોડો નો વહિવટ થયો છે તેના માટે અઢી વર્ષથી રજુઆત કરવામાં આવે છે પરંતુ ડિમોલીશન થતું નથી પરંતુ બીજી તરફ ગઈકાલે જ રજુઆત થઈ છે અને તેમાં કોઈ વહિવટ થયો નથી તેવી વાત હોવાથી તાત્કાલિક ડિમોલીશન થયું છે. આ ઉપરાંત પાલિકાના કતારગામ ઝોન અને વરાછા ઝોનની કોટેજ ઈન્ડ.ના નામે જુદી જુદી કામગીરી માટે વિવાદ ઉભો થયો છે અને પાલિકામાં તે ચર્ચાનો વિષય બન્યો છે.