જામનગરમાં ફાઈનાન્સ કંપનીની ઓફિસમાં હંગામો : બે ભાઈઓએ 9 લાખની હોમ લોનનું 1.50 લાખમાં સેટલમેન્ટ કરવા માટે દબાણ કરી હેડને ઢોરમાર માર્યો
Jamnagar Crime : જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા બે ભાઈઓએ લાલ બંગલા વિસ્તારમાં આવેલી એક ખાનગી ફાઈનાન્સ કંપનીમાં હંગામો મચાવ્યો હતો, પોતે લીધેલી હોમલોનના 9 લાખ રૂપિયા ચૂકવવાના બદલે માત્ર દોઢ લાખ રૂપિયામાં સેટલમેન્ટ કરવા માટે દબાણ કરી અમદાવાદથી આવેલા કંપનીના હેડ ઉપર હુમલો કરી દીધો હતો, તેમજ ઓફિસમાં રહેલું લેપટોપ-સીસીટીવી કેમેરા વગેરેમાં તોડફોડ કરી નાખી હતી, જ્યારે એક સીસીટીવી કેમેરો અને ડીવીઆરની લૂંટ ચલાવી ભાગી છુટયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. જે બંને ભાઈઓને પોલીસ શોધી રહી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા યુવરાજસિંહ રવિન્દ્રસિંહ જાડેજા તેમજ દિવ્યરાજસિંહ રવિન્દ્રસિંહ જાડેજા નામના બે ભાઈઓએ ખાનગી ફાઈનાન્સ કંપનીમાંથી હોમ લોન મેળવી હતી. જે હોમ લોનના 9,17,500 જેવી રકમ બાકી હતી, તે રકમ આપવાના બદલે બંને ભાઈઓ માત્ર દોઢ લાખમાં સેટલમેન્ટ કરવા માંગતા હતા.
દરમિયાન ગઈકાલે અમદાવાદથી ઇન્ડિયા સેલ્ટર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ કંપનીના સમગ્ર રાજ્યના હેડ ધવલ ગૌરાંગભાઈ પાઠક અન્ય કંપનીના કર્મચારીઓની સાથે જામનગરના લાલ બંગલા વિસ્તારમાં આવેલી ફાઇનાન્સ કંપનીની ઓફિસે આવ્યા હતા અને ઓફિસમાં બેઠા હતા.
જે દરમિયાન ઉપરોક્ત બંને આરોપી ભાઈઓ યુવરાજસિંહ અને દિવ્યરાજસિંહ આવ્યા હતા અને પોતાની નવ લાખની બાકીની રકમનું માત્ર દોઢ લાખમાં સેટલમેન્ટ કરવા માટે કંપનીના હેડને જણાવ્યું હતું. જેથી ધવલભાઇએ માત્ર દોઢ લાખમાં આ સેટલમેન્ટ ન થાય, તેમ જણાવતા બંને ભાઈઓ ઉસ્કેરાઈ ગયા હતા, અને ધવલભાઈ પર હુમલો કરી દીધો હતો. ત્યારબાદ બંનેએ ઓફિસમાં તોડફોડ કરી નાખી હતી, અને ટેબલ પર રહેલું રૂપિયા 35000 ની કિંમતનું લેપટોપ તોડી નાખ્યું હતું, જ્યારે સીસીટીવી કેમેરો પણ તોડી નાખ્યો હતો.
ત્યારબાદ ઓફિસમાં રહેલા એક સીસીટીવી કેમેરા અને તેનું ડીવીઆર જે બંનેની લૂંટ ચલાવી બંને ભાઈઓ ભાગી છૂટ્યા હતા. જે સમગ્ર મામલો આખરે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો અને બંને ભાઈઓ સામે હુમલા અને લૂંટ તેમજ ધાકધમકી અંગેની ફરિયાદ નોંધાવતાં ધવલભાઇ પાઠકની ફરિયાદના આધારે યુવરાજસિંહ જાડેજા તેમજ દિવ્યરાજસિંહ જાડેજા સામે ગુનો નોંધી બંનેની શોધ ખોળ હાથ ધરી છે.