Get The App

ઇમ્પોર્ટન્ટ વાહનોમાંથી આરટીઓને બે વર્ષમાં ૨૭.૭૭ કરોડની આવક

Updated: Feb 13th, 2025


Google NewsGoogle News
ઇમ્પોર્ટન્ટ વાહનોમાંથી આરટીઓને બે વર્ષમાં ૨૭.૭૭ કરોડની આવક 1 - image


વાહનની મુળ કિંમત ઉપર ૧૨ ટકાનો ટેક્સ વસૂલાયો

વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૨૫ તથા ૨૦૨૪-૨૫માં ૧૧૪ વાહનો વિદેશથી ગાંધીનગર આયાત કરવામાં આવ્યા

ગાંધીનગર :  ગાંધીનગર આરટીઓની આવક દર વર્ષે સતત વધી રહી છે.ત્યારે આ આવકમાં મહત્વનો હિસ્સો ઇમ્પોર્ટન્ટ વાહનોના ટેક્સનો પણ રહેલો છે. વિદેશથી ઇમ્પોર્ટ કરીને ગાંધીનગર રજીસ્ટ્રેશન કરાવવામાં આવતા વાહનોના માલિકો પાસેથી આરટીઓ તંત્ર ૧૨ ટકા જેટલો ટેક્સ-ડયુટી વસુલે છે.જેના પગલે ગાંધીનગર આરટીઓને ફકેત બે જ વર્ષમાં કુલ ૨૭.૭૭ કરોડ રૃપિયાની આવક થઇ છે.

સરકાર દ્વારા ભલે વિવિધ સેવા-જવાબદારીઓ લઇને તેનું ખાનગીકરણ કરવામાં આવ્યું હોય તેમ છતા હજુ પણ આરટીઓ તંત્ર સરકાર માટે કમાઉ દિકરો રહ્યો છે.અગાઉ ચેકપોસ્ટ, રજીસ્ટ્રેશન, નંબરપ્લેટ સહિતની આવક આરટીઓ તંત્ર કરતું હતું ત્યારે હવે ટેક્સની વસુલાત અને લાયસન્સ કાઢી આપવા જેવી મહત્વની જવાબદારી જ આરટીઓ પાસે રહી છે તેવી સ્થિતિ વચ્ચે પણ ગાંધીનગર આરટીઓની આવક સતત વધી રહી છે એટલુ જ નહીં, સરકાર દ્વારા આપવામાં આવતા ટાર્ગેટ કરતા પણ આવકમાં વધારો થયો છે જે નોંધનીય બાબત છે. ત્યારે આ આવકમાં મહત્વનો હિસ્સો ઇમ્પોર્ટ કરેલા એટલે કે, વિદેશમાંથી ગાંધીનગર રજીસ્ટ્રેશન માટે આવતા વાહનોનો છે.

સામાન્યરીતે વિદેશમાં જે તે વાહનોની મુળ કિંમત હોય તેના ૧૨ ટકા જેટલો ટેક્સ આ વાહનના માલિક પાસેથી વસુલવામાં આવે છે અને તે ટેક્સ ભરાયા બાદ જ જે તે માલિકને તેનું વાહન રજીસ્ટ્રર્ડ કરી આપવામાં આવશે. ગાંધીનગર આરટીઓ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪માં આવા કુલ ૧૨૫ વિદેશી વાહનોનું રજીસ્ટ્રેશન કરીને તેમાંથી ૧૨ ટકા ટેક્સની કુલ ૧૩.૨૮ કરોડની આવક કરી હતી. આવી જ રીતે વર્ષ ૨૦૨૪-૨૫માં અત્યાર સુધી ૧૧૪ વાહનોના માલિકો પાસેથી ૧૪.૪૬ કરોડ મળીને બે વર્ષ દરમ્યાન કુલ ૨૩૯ વિદેશી વાહનોના રજીસ્ટ્રેશનમાંથી આરટીઓને કુલ ૨૭.૭૭ કરોડની આવક થઇ છે.


Google NewsGoogle News