પૂર્વ વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવના ખર્ચની જાણકારી માટે હવે એપેલેટ ઓથોરિટી સમક્ષ અરજી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર અને રાજ્યના શિક્ષણ વિભાગના ખાસ ગણાતા ડો.વિજયકુમાર શ્રીવાસ્તવે વાઈસ ચાન્સેલર તરીકેના કાર્યકાળ દરમિયાન દેશમાં અને વિદેશની લીધેલી મુલાકાતો પાછળ કેટલો ખર્ચ કર્યો તેમજ વાઈસ ચાન્સેલર તરીકે તેમના કયા કયા લાભ અપાતા હતા તે અંગે રાઈટ ટૂ ઈન્ફર્મેશન એકટ હેઠળ પૂર્વ સેનેટ સભ્યે જાણકારી માગી હતી.
જોકે યુનિવર્સિટી દ્વારા નિયત સમયમાં આ જાણકારી નહીં આપવામાં આવી હોવાથી હવે પૂર્વ સેનેટ સભ્યે એપેલેટ ઓથોરિટી એટલે કે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરને જાણકારી માટે અપીલ કરી છે.
પૂર્વ સેનેટ સભ્ય કપિલ જોષીએ કહ્યું હતું કે, મેં તા.૨૩ જાન્યુઆરીના રોજ આરટીઆઈ કરી હતી અને ડો.શ્રીવાસ્તવને લગતી જાણકારી આપવામાં અધિકારીઓએ અખાડા કર્યા છે.એવુ લાગે છે કે, શિક્ષણ વિભાગના માનીતા ડો.શ્રીવાસ્તવની જાણકારી આપવામાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સહિતના અધિકારીઓને ડર લાગી રહ્યો છે.અને તેઓ એક બીજા પર જાણકારી આપવાની જવાબદારી ઢોળી રહ્યા છે.
સાથે સાથે પૂર્વ સેનેટ સભ્યે કહ્યું હતું કે, ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલ પણ એપેલેટ ઓથોરિટી તરીકે જાણકારી પૂરી નહીં પાડે તો હું તેમની અને રજિસ્ટ્રાર ડો.ચૂડાસમા સામે માહિતી આયોગમાં ફરિયાદ કરીશ અને ત્યાં અરજી કરીને જાણકારી માગીશ.
ઉલ્લેખનીય છે કે, ડો.શ્રીવાસ્તવે રાજીનામુ આપ્યાના લગભગ બે મહિના પૂરા થવા આવ્યા પણ વાઈસ ચાન્સેલરનો બંગલો હજી ખાલી નથી કર્યો અને સત્તાધીશો બંગલો ખાલી કરાવી પણ રહ્યા નથી.