રૂા. 1599 માં બે એરબર્ડસ ખરીદવા ગયેલા યુવાને રૂા. 47,000 ગુમાવ્યા

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
રૂા. 1599 માં બે એરબર્ડસ ખરીદવા ગયેલા યુવાને રૂા. 47,000 ગુમાવ્યા 1 - image


સાયબર ફ્રોડનો વધુ ચાર જણા ભોગ બન્યા બી-ડિવિઝન પોલીસે ત્રણ અરજદારોને પુરેપુરા, તો ચોથા અરજદારને રૂા.૩પ હજારમાંથી રૂા.૩૦ હજાર પરત અપાવ્યા

રાજકોટ, : સાયબર ફ્રોડનો ભોગ બનેલા ચાર અરજદારોને બી-ડિવીઝન પોલીસે રૂા. 1.26 લાખની રકમ પરત અપાવી હતી. પોલીસ સાયબર ફ્રોડથી બચવા માટે છાશવારે અપીલ કરે છે. આમ છતાં લોકો તેનો ભોગ બનતા રહે છે. 

અરજદાર દિવ્યેશ ઓળકીયાએ ઈન્સ્ટાગ્રામ આઈડીમાં રૂા. 1599માં એક એરબર્ડ સાથે એક એરબર્ડ ફ્રીની જાહેરાત જોતા લાલચમાં આવી ગઠીયાએ મોકલેલી લીન્ક પર પ્રોસેસ કરતાં તત્કાળ ખાતામાંથી રૂા. 47,000 ઉપડી ગયા હતા. 

બીજા કિસ્સામાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા અરજદાર જયદિપ ભરતભાઈને ગઠીયાએ અમદાવાદ-ગોવાની આઠ ટીકીટ ઓનલાઈન બુક કરાવી હતી. જેમાં એડવાન્સ બુકીંગના રૂા. 7200 આંગડીયા મારફત મોકલ્યાનું જણાવ્યું હતું. તપાસ કરતા આંગડીયામાં રૂા. 8000 મોકલાયા હતા. તે વખતે અરજદારને ગઠીયાએ કોલ કરી કહ્યું કે જે મહેમાન અમદાવાદથી ગોવા જવાના હતા. તે હાલ બોમ્બેની હોટલમાં રોકાયા છે, તેની પાસે અમદાવાદ આવવા માટે પૈસા નથી. જેથી હોટલમાં ઓનલાઈન રૂા. 39,000 ચુકવી આપવા અને પોતે આંગડીયામાં જે રકમ મોકલે તેમાંથી રૂા. 39,000 કાપી લેવાનું કહેતા અરજદારે તેની વાતમાં આવી રૂા. 39,000 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. 

ત્રીજા કિસ્સામાં ગીફટ આટીકલની શોપ ધરાવતાં અરજદાર હિતેષ સોલંકીનું કુરીયર આવવાનું હતું. જેથી તેના નંબર ઉપર સર્ચ કરતા ગઠીયાએ લીન્ક મોકલી રૂા.1 ભરવાનું કહ્યું હતું. જે પ્રોસેસ કરતાં ખાતામાંથી રૂા. 35,000 ઉપડી ગયા હતા. 

ચોથા કિસ્સામાં અરજદાર ભાવેશ ડાયાભાઈ લીંબાસીયાને ગઠીયાએ કોલ કરી તેનો કૌટુંબિક ભત્રીજો બોલતો હોવાનું કહી હાલ હોસ્પિટલના કામે પૈસાની જરૂર હોવાનું કહ્યું હતું. સાથે કયુઆર કોડ મોકલ્યો હતો. જેમાં અરજદારે રૂા. 10,000 ટ્રાન્સફર કર્યા હતા.  બી-ડિવીઝનના પીઆઈ આર.જી.બારોટ અને કોન્સ્ટેબલ પુજાબેન વાળાએ આ ચારેય અરજદારોમાંથી ત્રણને ગુમાવેલી પુરેપુરી રકમ જયારે અરજદાર હિતેષને ગુમાવેલા રૂા.35,000માંથી રૂા. 30,000 પરત અપાવ્યા હતા. 


Google NewsGoogle News