ગુજરાતના મધ્યમ વર્ગ માટે મોટા સમાચાર, RTEમાં બાળકોના પ્રવેશ માટે આવક મર્યાદા 6 લાખ કરાઈ
RTE Admission: ગુજરાતના મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગે RTEમાં પ્રવેશ માટે આવક મર્યાદા રૂપિયા દોઢ લાખથી વધારીને રૂ. 6 લાખ કરી છે. આ સાથે અરજી કરવાની તારીખ પણ લંબાવીને 15 એપ્રિલ કરવામાં આવી છે. આ નિર્ણય બાદ હવે 6 લાખ સુધીની આવક મર્યાદા ધરાવનારા વાલીઓ હવે બાળકોના ફોર્મ RTE હેઠળ ભરી શકશે.
જણાવી દઈએ કે, RTE હેઠળ એડમિશન માટે અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં 1.20 અને શહેરી વિસ્તારમાં 1.50 લાખની આવક મર્યાદા હતી. હાલમાં ગુજરાત RTE વર્ષ 2025-26 એડમિશન ચાલુ છે, જેમાં એ બાળકની ઉંમર 3થી 6 વર્ષની છે એને BPL કેટેગરીમાં આવે છે. તેઓ અરજી કરી શકે છે.
અગાઉ શિક્ષણ મંત્રીએ આપ્યા હતા સંકેત
આ અંગે ખુદ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સંકેત આપ્યા હતા. સુરતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું હતું કે, 'RTEમાં આવકની વિસંગતતા હતી. અન્ય બધી બાબતમાં 6 લાખની આવક મર્યાદા આપી રહ્યા છીએ. આવકના સુધારા માટે થોડો સમય આપીએ જેથી વધારાની આવકવાળા પણ તેનો લાભ લઈ શકે. ઘણા લોકોએ આવકના દાખલા કઢાવી લીધા છે. જે લોકોની વધુ આવક છે તેઓને પણ ફોર્મ ભરવાનો ચાન્સ મળે તે માટે સમય વધારવાની પણ વિચારણા છે. 6 લાખની આવક કરવાની વિચારણા છે. 99 ટકા નિર્ણય કરીશું.'
અત્રે ઉલ્લેખનીય છે કે, રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ સરકાર દ્વારા ગરીબ અને અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિના તેમજ જરૂરિયાતમંદ બાળકોને ખાનગી શાળામાં મફત શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવે છે. જેમાં બાળકોની ફી સરકાર ચૂકવે છે.