મની લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી યુવતીના ૫.૯૪ લાખ પડાવ્યા
સાયબર ગઠિયાઓનો વધતો જતો આતંક
ગિફ્ટ સિટીમાં સોફ્ટવેર એન્જિનિયર યુવતી સાયબર ગઠિયાઓનો ભોગ બનતા પોલીસ દ્વારા તપાસ શરૃ
ગાંધીનગર : હાલમાં સાયબર ગઠિયાઓનો આતંક વધી રહ્યો છે ત્યારે ગિફ્ટ સિટીમાં આવેલી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી યુવતીને મની લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી સાયબર ગઠિયાઓ દ્વારા ૫.૯૪ લાખ રૃપિયા પડાવી લેવામાં આવ્યા છે. જે સંદર્ભે હાલ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.
સમગ્ર દેશમાં છેલ્લા થોડા સમયથી ડિજિટલ એરેસ્ટના નામે સાઇબર
ગઠિયાઓ દ્વારા લોકોને અલગ અલગ કેસમાં ફસાવવાની ધમકી આપીને લાખો કરોડો રૃપિયા પડાવી
લેવામાં આવે છે ત્યારે આ વખતે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આવેલી આઈ બી એમકંપનીમાં સોફ્ટવેર
એન્જિનિયર તરીકે કામ કરતી મૂળ સૌરાષ્ટ્રની અને હાલ રાદેસણમાં પીજીમાં રહેતી યુવતી ભક્તિબેન
વિઠલાણીને નિશાન બનાવવામાં આવી છે. ગત ૧૮ ડિસેમ્બરના રોજ યુ ડી આઇ ડિપાર્ટમેન્ટમાંથી
સિનિયર વેરિફિકેશન ઓફિસર રાહુલ શર્માએ ફોન કરીને કહ્યું હતું કે, તમારું આધાર કાર્ડ
હોટેલ અને ટ્રાવેલ્સ બુકિંગના નામે મિસયુસ થઈ રહ્યો હોવાથી વેરિફિકેશન કરવાનું છે ત્યારબાદ
તેણે સ્કાયપે આઇડી મોકલ્યું હતું અને તેમાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લોગીન કરીને જોયું
તો દિલ્હી પોલીસનું આઈ કાર્ડ હતું ત્યારબાદ તેને વીડિયો કોલ આવ્યો હતો અને એટલે ભક્તિએ
તેનું આધારકાર્ડ વેરીફાઈ કરવા માટે મોકલી આપ્યું હતું. આ દરમિયાન આ વ્યક્તિએ લોન્ડરિંગ
સાથે આધાર કાર્ડ લિંક હોવાનું અને અન્ય બેન્ક એકાઉન્ટમાં પણ આધાર કાર્ડનો ઉપયોગ થયો
હોવાનું કરી એકાઉન્ટ બ્લોક કરવાની વાત કરી હતી. જેના પગલે તે ગભરાઈ ગઈ હતી અને પોતાના
બેંક એકાઉન્ટની વિગતો આપી દીધી હતી ત્યારબાદ અલગ અલગ વિભાગના નામે આ વ્યક્તિઓ દ્વારા
ધમકી આપવામાં આવી હતી અને તેની પાસેથી ૫.૯૪ લાખ રૃપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. જોકે
ત્યારબાદ તેણીને તેની સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થતાં આ સંદર્ભે ગાંધીનગર સાયબર
ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપી હતી.