જામનગર શહેર-કાલાવડ અને ઓખામંડળમાં ગઈકાલે પાંચમા દિવસે અવિરત વીજ ચેકીંગ કરાયુ : રૂ.36.25 લાખની વીજ ચોરી ઝડપાઈ
Jamnagar PGVCL Cheaking : જામનગર શહેર-જિલ્લા સહિત હાલાર પંથકમાં ગત સોમવારથી વીજ તંત્ર દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે ગઈકાલે પાંચમા દિવસે પણ ચાલુ રહી હતી, અને હાલારમાં 44 વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઇ હતી. જેના દ્વારા વધુ કુલ રૂ.36.25 લાખની વીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા સોમવારે જામનગર શહેરના જુદા-જુદા વિસ્તારમાં 26 જેટલી વીજચેકિંગ ટુકડીને મેદાનમાં ઉતારવામાં આવી હતી અને રૂ.23.10 લાખના વીજ પુરવણી બિલ આપવામાં આવ્યા હતા. મંગળવારે પણ વીજ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને રૂપિયા 25.65 લાખના વીજ પુરવણી બિલ આપવામાં આવ્યા હતા.
જ્યારે ત્રીજા દિવસે વીજ ચેકિગમાં કુલ રૂ.56.25 લાખના વીજ પૂરવણી બિલ આપવામાં આવ્યા હતા. તેમજ ગુરૂવારે સતત ચોથા દિવસે પણ વીજ ચેકીંગ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી. અને વધુ 57 લાખની પકડી લેવાઇ હતી. દરમિયાન ગઈકાલે વધુ 44 ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર શહેરના નાગનાથ ગઈટ, મેઘવારવાસ, નાગેશ્વર, ભારતવાસ અને સુભાષ બ્રિજ આસપાસના વિસ્તાર ઉપરાંત કાલાવડ તાલુકાના જામવાડી, મૂળીલા, ખીજડીયા સહિતના ગામોમાં ચેકિંગ કરાયું હતું.
ઉપરાંત દ્વારકા પંથકના શીવરાજપુર, હમુસર, વેરાવળ, શામળાસર સહિતના ઓખા મંડળના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું. અને કુલ 537 વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 88 વીજ જોડાણમાં ગેરરીતિ જોવા મળી હતી. આવા આસામીઓને રૂપિયા 36 લાખ 25 હજારના વીજ પુરવણી બિલ આપવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં 21 લોકલ પોલીસ અને 17 એસઆરપી જવાનોની મદદ લેવામાં આવી હતી.