Get The App

મેડિકલ એજન્સીના સંચાલકની કારમાંથી રૃા.૩.૩૦ લાખ ચોરી ગઠિયો ફરાર

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
મેડિકલ એજન્સીના સંચાલકની કારમાંથી રૃા.૩.૩૦ લાખ ચોરી ગઠિયો ફરાર 1 - image


ગાંધીનગર નજીક આવેલા ચિલોડા પાસે

કારમાં પંચર કરાવવા માટે ઉભા હતા તે દરમિયાન ગઠિયો કળા કરી ગયો

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડા પાસે મેડિકલ એજન્સીના સંચાલકની કારમાંથી ગઠિયો ૩.૩૦ લાખ રૃપિયા ભરેલું અને અગત્યના ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ ચોરીને ફરાર થઈ ગયો હતો. જે સંદર્ભે વેપારીએ ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને આ ગઠિયાની શોધખોળ શરૃ કરી છે.

પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે લોકોની નજર ચૂકવીને કિંમતી માલ સામાન ચોરી જતા ગઠિયાઓ પણ સક્રિય થઈ ગયા છે. આ સ્થિતિમાં ગઈકાલે માણસામાં આવેલી અક્ષર રેસીડેન્સીમાં રહેતા અને મેડિકલની એજન્સી ધરાવતા અલ્પેશભાઈ કેશવલાલ પટેલ તેમની કાર લઈને ચિલોડા અશ્વમેઘ કોમ્પલેક્ષ પાસે દવાની દુકાનમાં ઓર્ડર લેવા માટે ગયા હતા. આ દરમિયાન તેઓ પરત ફર્યા ત્યારે એક શખ્સ દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે તમારી કારમાં પંચર છે. જેથી અલ્પેશભાઈ એ જોતા આગળના ટાયરમાં પંચર હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન તેમની ડ્રાઇવર સીટની બાજુની સીટમાં રૃપિયા ભરેલી બેગ પડી હતી. જેથી તેઓ પંચર કરાવવા માટે ઊભા રહ્યા હતા અને ત્યારબાદ પંચર થઈ જતા તપાસ કરતા બેગ જણાય ન હતી. જેમાં ૩.૩૦ લાખ અને અગત્યના ડોક્યુમેન્ટ હતાં. આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં બેગ મળી આવી ન હતી. જેથી આ સંદર્ભે ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. જેના આધારે હાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આ ગઠિયાની શોધખોળ શરૃ કરવામાં આવી છે. આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ દ્વારા ચકાસવામાં આવી રહ્યા છે.


Google NewsGoogle News