મુંદરામાં બે સોસાયટીમાં ત્રણ મકાનમાંથી 2.73 લાખની ચોરી
રાત્રિના બંધ ઘરોમાં નિશાચરોએ હાથ માર્યો
મુંદરાના યોગેશ્વરનગરમાં રહેતા અને જી.એસ.પી.સી. એલ.એન.જી કંપનીમાં ઓફિસર તરીકે કામ કરતા રોહિતભાઇ કેશભાઇ વાઘેલાએ ફરિયાદમાં જણાવ્યું હતું. કે, રવિવારે બપોર બાદ તેઓ પરિવાર સાથે ભુજ ફરવા આવ્યા હતા. બાદમાં ભુજમાં મિત્રને ઘરે રોકાઇ ગયા હતા. સોમવારે સાંજે પરત ઘરે જતાં તેમના ઘરમાં ચોરી થઇ ગઇ હતી. દરવાજાનો નકુચો તુટેલો હતો. અંદર ઘરમાં સરસામાન વેરવિખર કરીને કોઇ અજાણ્યા શખ્સો કબાટમાંથી ૨૯,૯૭૭ની કિંમતની સોનાના ચેઇન, ૧૧,૯૬૦નું સોનાનું પેન્ડલ, ૩ નંગ સોનાની વીટી, સોનાની લકકી કિંમત રૂપિયા ૧,૫૫,૮૩૭ અને ૩૦ હજાર રોકડા મળીને કુલે રૂપિયા ૧,૮૫,૮૩૭ના મુદમાલની ચોરી કરી ગયા હતા. બીજીતરફ સુંદરમ સોસાયટીમાં શેરી નંબર ચારમાં રહેતા સુરેશભાઇ દેવાભાઇ પટેલના બંધ મકાનમાં શનિવારની રાત્રે કોઇ અજાણ્યા શખ્સોએ દરવાજાનું લોક તોડી અંદર કબાટમાંથી ૨૦ ગ્રામની સોનાની મગમાળા કિંમત રૂપિયા ૬૫ હજાર તેમજ ૮ હજાર રોકડ મળીને ૭૩ હજારનો મુદામાલ તેમજ પાડોશીના મકાનમાંથી ૨૦૦ ગ્રામની ચાંદીની ડીશ કિંમત રૂપિયા ૧૪ હજાર અને ૫૦૦ રૂપિયાના મોબાઇલ સહિત ૧૪,૫૦૦ની ચોરી કરી ગયા હતા. મુંદરા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.