રૂા. 2.62 લાખની લૂંટ ચલાવનાર ઝબ્બે, આરોપી સામે 21 ગુના
- ભક્તિનગર સોસાયટીમાં ત્રણ દિવસ પહેલાં છરીની અણીએ
રાજકોટ : ભક્તિનગર સોસાયટીમાં કારખાનેદારને છરી બતાવી રૂા. ૨.૬૨ લાખની લૂંટ ચલાવાયાની ઘટનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી લઇ રીઢા આરોપી ઇમરાન હાસમમિયા કાદરી (ઉ.વ.૨૪, રહે. કર્મચારી સોસાયટી શેરી નં.૩, પુનિતનગર પાણીના ટાંકા પાસે)ને ઝડપી લીધો છે.તેની સામે ચોરી, લૂંટ સહિત ૨૧ ગુના અત્યાર સુધી નોંધાયા છે.
આરોપીએ લૂંટમાં ચોરાઉ એક્ટિવાનો ઉપયોગ કર્યો હતો, પકડાઇ ન જવાય તે માટે ઘણું ધ્યાન રાખ્યું હતું
૮૦ ફૂટના રોડ પર આવેલા ગુરુદેવ પાર્કમાં રહેતા કારખાનેદાર હરેશભાઈ રાદડિયા (ઉ.વ.૪૦) ગઇ તા. ૧૮નાં રોજ બાઇક લઇ વેપારીને પેમેન્ટ આપવા જતા હતા ત્યારે ઢેબર રોડ પર નાગરિક બેન્ક ચોક પાસે આરોપીએ તેના બાઇક સાથે એક્ટિવા અથડાવી નુકસાનીના પૈસા લેવાના બહાને ભક્તિનગર સોસાયટીમાં આવેલા સત્યાર્થ પ્રકાશ નામના કોમ્પ્લેક્સમાં લઇ જઇ, છરી બતાવી, રૂા. ૨.૬૨ લાખની લૂંટ ચલાવી હતી.
જે અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. ક્રાઇમ બ્રાંચની ટીમોએ પણ તપાસ ઝંપલાવ્યું હતું અને આખરે આરોપી ઇમરાનને ઝડપી લઇ તેની પાસેથી રૂા. ૫૩ હજાર કબજે કર્યાં છે. આરોપી ઇમરાન લાંબો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. તેના વિરૂધ્ધ ચોરી, લૂંટ સહિતના ૨૧ ગુના રાજકોટ અને અમદાવાદમાં નોંધાયા છે.
થોડા સમય પહેલા જ તે જેલમાંથી બહાર આવ્યો હતો. બનાવના દિવસે લૂંટ કરવા માટે સૌથી પહેલા મવડી વિસ્તારમાં દોરીએ સૂકાતા મજૂરોના કપડા ચોરી લઇ પોતાના કપડા ઉપર પહેરી લીધા હતા. ત્યાર પછી નજીકમાંથી ટોપી અને રૂમાલ ખરીદ કરી, તે પહેરી, મિલપરામાંથી એક્ટિવાની ચોરી કરી હતી. જેમાં બેસી બાદમાં તેણે લૂંટ ચલાવી હતી. લૂંટ બાદ ચોરાઉ એક્ટિવા શાસ્ત્રી મેદાનમાં મૂકી દીધું હતું.
વાહન ચોરી અંગે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ક્રાઇમ બ્રાંચે તેનો કબજો ભક્તિનગર પોલીસને સોંપી દીધો છે. જે હવે આગળની તપાસ કરશે.