દુષ્કર્મ આચરનારા એવરેસ્ટ ઓવરસીઝના માલિક પાસેથી રૂ.2.50 લાખ પડાવ્યા
વિદ્યાનગરમાં દુષ્કર્મ બાદ ગર્ભ રહી જવાના કેસમાં નવો વળાંક
પિડીતાના પતિના મિત્રોએ ધમકી આપીને વધુ ૭૦ લાખ માંગ્યાં, ચાર સામે ફરિયાદ
વિદ્યાનગરના જનતા ફાટક પાસે આવેલી એવરેસ્ટ ઓવરસીઝના માલિક ભૌમિક વિનોદભાઈ મકવાણાએ ઓફિસમાં કામ કરતી એક પરિણીતાને કોલ્ડ્રિંક્સમાં નશાકારક પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું. જેમાં પરિણીતાને ગર્ભ રહી જતાં વિદ્યાનગર પોલીસ મથકે શખ્સ સામે ફરિયાદ આપી હતી. આ કેસમાં નવો વળાંક આવ્યો છે.
પરિણીતાના પતિના મિત્ર કેવલ લિંબાચિયા અને તેના મિત્રો તેજલબેન કોટડિયા, કેવલ જોષી અને સમીર વ્હોરાએ પરિણીતા પર દુષ્કર્મના કેસમાં ફરિયાદીની તરફેણમાં નિવેદન આપી, દુષ્કર્મ આચરનાર ભૌમિક અને તેની પત્ની ભક્તિને ડરાવી, ફીટ કરાવી દઈશું તેવી ધમકી આપી બળજબરીથી રૂ.૨.૫૦ લાખ પડાવી લીધા હતા.
તેમજ હજૂ પણ કેસની પતાવટ કરી નાખવા રૂ.૭૦ લાખની માંગણી કરી ધમકી આપી હોવાની ભક્તિ ભૌમિક મકવાણાએ વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલા સહિત ચારેય શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.