Get The App

કચ્છના ખારીરોહરમાં 120 કરોડની કિંમતનું 12 કિલોગ્રામ કોકેઈન મળી આવતા હડકંપ, શક્તિસિંહે ઉઠાવ્યા સવાલ

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
kutch drugs


Drugs Seizes in Kutch : ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવાની ઘટનાઓ વધી રહી છે. રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ દૂર કરવા માટે અવાર-નવાર ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. તેમ છતાં ડ્રગ્સની હેરાફેરી, વેચાણ અને સેવન અટકવાનું નામ નથી લઈ રહ્યું. ત્યારે હવે કચ્છ જિલ્લાના ગાંધીધામના ખારીરોહર નજીકથી ફરી એકવાર બિનવારસી હાલતમાં અંદાજિત 120 કરોડની કિંમતનું 12 કિલોગ્રામ કોકેઈન મળી આવ્યું છે. 

પૂર્વ કચ્છના એસપી સાગર બાગમરના જણાવ્યા અનુસાર, બાતમીના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસને ખારીરોહર સીમમાં આવેલા તળાવ નજીક બાવળની ઝાડી નીચે બિનવારસી હાલતમાં 10 પેકેટ કોકેઈનના મળી આવ્યા હતા. જેમાં અંદાજિત 120 કરોડની કિંમતનું 12 કિલોગ્રામ કોકેઈન ઝડપ્યું છે. જણાવી દઈએ કે, અહીંથી સમુદ્રની ખાડી માત્ર દોઢેક કિલોમીટર દૂર છે. બી ડિવિઝન પીઆઈ એસ.વી. ગોજીયા સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે. જ્યારે FSLની ટીમે વૈજ્ઞાનિક પરીક્ષણ કરવા સહિતની કામગીરી હાથ ધરી છે.

આ પણ વાંચો : રાજ્યમાં 13 સ્થળે GST વિભાગના દરોડા, ભાજપ-કોંગ્રેસના બે નેતાઓના ઠેકાણાઓ પર પણ તપાસ

યુવાનોને બરબાદ કરનાર કોકેઈન સતત ગુજરાતમાં મળે છે : શક્તિસિંહ ગોહિલ

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કચ્છમાંથી ડ્રગ્સ મળવાની ઘટનાને લઇને ભાજપ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. શક્તિસિંહ ગોહિલે લખ્યુ, "ગુજરાતના કચ્છ જિલ્લામાં 12 કિલોગ્રામ કોકીનથી ભરેલા 10 પેકેટ મળ્યા છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 120 કરોડ રૂપિયા છે. યુવાઓને બરબાદ કરનાર કોકીન સતત ગુજરાતમાં મળે છે. ભાજપ સરકારને ચિંતા નથી. શું તેનો વિકાસ કરવાના ભાજપે શપથ લીધા છે?"

આ પણ વાંચો : ગરબા રમવા ગયેલી સગીરને નશો કરાવી ત્રણ હેવાનોએ કર્યો સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ, આણંદનો ચોંકાવનારો મામલો

અહીં કોણ પેકેટ નાખી ગયું તે કોઈને ખબર નહીં

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 28 સપ્ટેમ્બર 2023ના રોજ ગાંધીધામ પોલીસે અહીંથી થોડે દૂર મીઠીરોહર સીમમાંથી 800 કરોડની કિંમતનું 80 કિલો કોકેઈન જપ્ત કર્યું હતું. આ વર્ષે 4 જૂન 2024ના રોજ ખારીરોહરથી કંડલા જતાં માર્ગ પર HPCL પાઈપલાઈન નજીક બાવળની ઝાડીમાંથી ગુજરાત ATSએ પણ બિનવારસી હાલતમાં પડેલું 13 કિલો કોકેઈન જપ્ત કર્યું હતું. આમ, છેલ્લાં એક વર્ષમાં ત્રણ વખત એક જ પટ્ટામાંથી અંદાજિત 105 કિલોગ્રામ કોકેઈનના પેકેટ કબજે કરાયાં છે. જોકે એકપણ કિસ્સામાં તે જાણી શકાયું નથી કે આ પેકેટ અહીં કોણ નાખી ગયું હતું.


kutchdrugs

Google NewsGoogle News