પૂરની પરિસ્થિતિ બાદ કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે રસ્તા વરસાદી ગટર પાછળ રૂ.115 કરોડના ખર્ચનું આયોજન
Vadodara Corporation : વડોદરા શહેરમાં સતત ત્રણ વખત પૂર અને ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા જે બાદ અનેક રસ્તાઓ ઉબડખાબડ થયા હવે કોર્પોરેશનની ચૂંટણીને માત્ર સવા વર્ષ બાકી છે ત્યારે શહેરમાં બિસ્માર થઈ ગયેલા રસ્તાઓ નવા બનાવવા તેમજ વરસાદી ગટરના કામો મળી કુલ રૂપિયા 115 કરોડના વિકાસના કામો સ્થાયી સમિતિમાં રજૂ થયા છે.
વડોદરા શહેરભરમાં ચારે બાજુએ કાચા રોડ રસ્તા પાકા બનાવવા, સેન્ટ્રલ ડિવાઇડર, રોડને લિક્વિડ સિલિકોટ અને વરસાદી ગટરો બનાવવાના કામે પાલિકા દ્વારા રૂ.115 કરોડના જુદા-જુદા કામો માટે ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા. પરંતુ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતા રોડ પ્રોજેક્ટ શાખાના આ તમામ કામ પૈકી પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ રૂ.40 કરોડની મર્યાદાનું છે. આ તમામ કામ મંજૂરી અર્થે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાયું છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં આવેલા બે વારના પૂર અને ત્રીજી વારમાંથી શહેરીજનો બચી ગયા છે, પરંતુ રસ્તાને ભારે નુકસાન થવા સહિત ઠેર-ઠેર ગટરો ઉભરાઈ રહી છે. શહેરમાં ભુવા પડ્યા છે. ઉપરાંત ખાડાને કારણે પાલિકા તંત્રને શહેરભરના વિવિધ વિસ્તારમાં કેટલાક કાચા રસ્તા પાકા બનાવવા સહિત રોડ ડિવાઇડર રસ્તાને લિક્વિડ સીલીકોટ કરવું પણ જરૂરી બન્યું છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વરસાદી ગટરો પણ બનાવવાની છે. આ અંગે તંત્ર દ્વારા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમના ચારેય ઝોન પૈકી ઉત્તર ઝોનમાં રૂપિયા 25 કરોડની મર્યાદામાં કામ અંગે ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા. પશ્ચિમ ઝોન વિસ્તારમાં રૂ.40 કરોડની મર્યાદામાં કાચા રસ્તા પાકા રોડ ડિવાઇડર અને લિક્વિડ સિલિકોટ સહિત વરસાદી ગટર બનાવવાના કામ, પૂર્વ ઝોન વિસ્તારમાં પણ રૂપિયા 25 કરોડની મર્યાદામાં દક્ષિણ ઝોન વિસ્તારમાં વાર્ષિક રૂ.25 કરોડની મર્યાદામાં ખર્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ તમામ ટેન્ડર મંજૂર કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે.