રૃા.સાડા ચાર કરોડના સ્નોરકેલ પાછળ એક કરોડનો ખર્ચ, હવે કન્ડમ સ્થિતિમાં!
મહાનગરપાલિકાનો અઘરો વહીવટ ઃ ફાયર બ્રિગેડના
હાલ ઉંચી ઇમારતમાં આગ લાગે તો ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા અમદાવાદ ફાયર પાસેથી મદદ માગવી પડે
ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ પાસે કરોડો રૃપિયાના સાધનો છે પરંતુ તેની યોગ્ય જાળવણીના અભાવે હાલત ખરાબ થઈ જાય છે. ૪.૫૦ કરોડ રૃપિયાના સ્નોરકેલ પાછળ ગત વર્ષે એક કરોડ રૃપિયાનો મરામતનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ હાલ ઉંચી ઇમારતોમાં આગ બુઝવવા માટે વપરાતું આ સ્નોરકેલ કન્ડમ સ્થિતિમાં આવી ગયું છે.
પાટનગર ગાંધીનગર શહેરમાં સૌથી મોટું ફાયર બ્રિગેડ ગાંધીનગર
મહાનગરપાલિકા પાસે છે. એટલું જ નહીં સમગ્ર જિલ્લામાં આગ અકસ્માતની મોટી ઘટનામાં આ
ફાયર બ્રિગેડને રવાના કરવામાં આવતું હોય છે. ગાંધીનગર શહેર તેમજ આસપાસના
વિસ્તારમાં ઊંચી ઇમારતો આકાર પામી રહી છે ત્યારે અહીં આગ અને અકસ્માતની ઘટનામાં
તાત્કાલિક બચાવવાની કામગીરી થઈ શકે તે માટે સાડા ચાર કરોડ રૃપિયાનો ખર્ચ કરીને
સ્નોરકેલ ખરીદવામાં આવ્યું હતું. જે માટે તત્કાલીન અધિકારીઓને તાલીમ માટે પેરિસ પણ
મોકલવામાં આવ્યા હતા ત્યારે ૪૫ મીટર ઊંચાઈ સુધી પહોંચીને આગ કાબુમાં લઈ શકતા આ
સ્નોરકેલ પાછળ ગત વર્ષે મહાનગરપાલિકા દ્વારા એક કરોડ રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો
હતો. જોકે આ તમામ ખર્ચો હાલ પાણીમાં ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કેમકે
હાલ આ સ્નોરકેલ મશીન બંધ હાલતમાં ફાયર બ્રિગેડના કમ્પાઉન્ડમાં પડી રહ્યું છે. હાલ
ગાંધીનગર શહેર તેમજ અન્ય વિસ્તારમાં ઊંચી ઇમારતમાં કોઈ આગ અકસ્માતની ઘટના બને તો
ત્યાં તાત્કાલિક હાઈટ ઉપર પહોંચવા માટે ફાયર બિગેડ પાસે અન્ય કોઈ સાધન છે જ નહીં.
જેથી અમદાવાદ ફાયર બ્રિગેડની મદદ લેવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ફાયર બ્રિગેડમાં કરોડો રૃપિયાના સાધનોની શું સ્થિતિ છે
તે જોવાની તસ્દી પણ લેતા નથી. આગામી સમયમાં પણ વધુ વાહનો ખરીદવા માટે ટેન્ડર બહાર
પાડી દેવામાં આવ્યા છે પરંતુ જો આની આ જ સ્થિતિ રહી તો કરોડો રૃપિયામાં પાણીમાં
જવાના છે તે નક્કી છે.