જોરાવરનગરમાં બંધ મકાનમાંથી રૂ. 1.48 લાખના મત્તાની ચોરી
- પરિવાર લગ્નમાં ગયો ને પાછળથી તસ્કરોનો હાથફેરો
- ભરચક વિસ્તારમાંથી સોના અને ચાંદીના દાગીના લઈ તસ્કરો નાસી છુટયાં
સુરેન્દ્રનગર : જોરાવરનગરના નિલકંઠ મહાદેવ મંદિર પાછળ આવેલા બંધ રહેણાંક મકાનના તાળા તોડી તસ્કરો દ્વારા સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ ચોરી કરી નાસી છુટયા હતા. જે અંગેની જાણ થતા ભોગ બનનાર મકાન માલીકે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જોરાવરનગર નિલકંઠ મહાદેવ મંદિર પાછળ રહેતા રાજેશભાઈ નવીનચંદ્ર દવે અને તેમનો પરિવાર અમદાવાદ ખાતે ભાણીના લગ્ન હોવાથી ગયા હતા. દરમ્યાન તેમના બંધ મકાનનું તાળુ તોડી તસ્કરોએ તિજોરીમાં રાખેલી સોનાની નાની-મોટી ૭ વીટી, સોનાનો ચેઈન, પાટલા, સોનાની ચુંક, ચાંદીના છડ્ડા, ચાંદિના સિક્કા સહિત કુલ રૂા.૧,૪૮,૩૦૦ના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટયા હતા. જે અંગેની જાણ ફરિયાદી તેમજ મકાન માલીકને થતાં આ અંગે એ-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે જોરાવરનગર શહેરના ભરચક વિસ્તારમાં ચોરીનો બનાવ બનતા આસપાસના અન્ય મકાન માલીકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે અને પોલીસ દ્વારા આ વિસ્તારમાં વધુ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.