ધ્રાંગધ્રાના જુની ખરાવાડમાં બંધ મકાનમાંથી રૂ. 1.43 લાખના મત્તાની ચોરી
- પરિવાર સાળીના દિકરાને એરપોર્ટ મુકવા ગયોને તસ્કરોએ ત્રાટક્યા
- તસ્કરો સોનાના દાગીના, રોકડની ચોરી કરી નાસી છુટયા : પોલીસ પેટ્રોલિંગની પોલ ખુલી
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા શહેરના જુની ખરાવાડ વિસ્તારમાં એક રહેણાંક મકાનનું તાળુ તોડી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત રૂ.૧.૪૧ લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટયા હતા. મકાન માલિકે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ધ્રાંગધ્રાના જુની ખરાવાડ હાઉસીંગ બોર્ડ પાછળ રહેતા હબીબભાઈ નુરમહંમદભાઈ જામ પરિવારજ સાથે સાળીના દિકરાને અમદાવાદ એરપોર્ટ ખાતે મુકવા ગયા હતા. રાત્રીના સમયે ઘરે પરત આવતા ઘરના દરવાજાનું તાળુ ખોલી ચેક કરતા અંદરને જાળીના બન્ને તાળાઓ તુટેલી હાલતમાં જોવા મળ્યા હતા. તિજોરીની તપાસ કરતા તસ્કરો સોનાનો ચેઈન, સોનાનું પેન્ડલ, સોનાની પાંચ વીટી કિંમત રૂા.૯૫,૦૦૦ તેમજ રોકડ રૂા.૪૮,૦૦૦ સહિત કુલ રૂા.૧,૪૩,૦૦૦ના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટયા હતા. જે અંગે ભોગ બનનાર મકાન માલિકે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં વધુ એક વખત ચોરીનો બનાવ બનતા પોલીસની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ પોલીસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.