લેબગ્રોન ડાયમંડ બનાવવાની મશીનરી વેચવાના બહાને રૂ.1.29 કરોડ પડાવ્યા
કર્ણાટકના વેપારી દ્વારા સુરતના ધંધાર્થી સાથે છેતરપિંડી : ગોતાલાવાડીમાં જરી અને હીરાના વેપારીએ બેલગામની કંપનીને 25 મશીન માટે ઓર્ડર આપી એડવાન્સ રૂ.1.38 કરોડ જમા કર્યા હતા
સમયસર ડિલિવરી નહીં મળતા વેપારીએ ઓર્ડર કેન્સલ કરતા માત્ર રૂ.8.92 લાખ પરત કરી બાકીની રકમ નહીં આપી મશીનરી ખરીદવા દબાણ કરતા કંપનીના ડિરેક્ટર વિરુદ્ધ ફરિયાદ
- કર્ણાટકના વેપારી દ્વારા સુરતના ધંધાર્થી સાથે છેતરપિંડી : ગોતાલાવાડીમાં જરી અને હીરાના વેપારીએ બેલગામની કંપનીને 25 મશીન માટે ઓર્ડર આપી એડવાન્સ રૂ.1.38 કરોડ જમા કર્યા હતા
- સમયસર ડિલિવરી નહીં મળતા વેપારીએ ઓર્ડર કેન્સલ કરતા માત્ર રૂ.8.92 લાખ પરત કરી બાકીની રકમ નહીં આપી મશીનરી ખરીદવા દબાણ કરતા કંપનીના ડિરેક્ટર વિરુદ્ધ ફરિયાદ
સુરત, : સુરતના ગોતાલાવાડી જીનવાલા કંપાઉન્ડમાં જરી અને હીરાનો વેપાર કરતા મહિધરપુરાના વેપારીએ લેબગ્રોન ડાયમંડ બનાવવાની મશીનરી ખરીદવા માટે બેલગામની કંપનીને 25 મશીન માટે ઓર્ડર આપી એડવાન્સ રૂ.1.38 કરોડ જમા કર્યા હતા.જોકે, કંપનીએ સમયસર ડિલિવરી નહીં કરતા વેપારીએ ઓર્ડર કેન્સલ કરતા માત્ર રૂ.8.92 લાખ પરત કરી બાકીની રકમ રૂ.1.29 કરોડ નહીં આપી મશીનરી ખરીદવા દબાણ કરતા કંપનીના ડિરેક્ટર વિરુદ્ધ મહિધરપુરા પોલીસે અરજીના આધારે ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના મહિધરપુરા ગુંદી શેરી ઘર નં.6/1620 માં રહેતા 42 વર્ષીય ગોપાલક્રિષ્ણભાઈ અરવિંદભાઇ રંગરેજ ગોતાલાવાડી જીનવાલા કંપાઉન્ડ 8/એ પહેલા માળે નવરંગ મેટાલીકના નામે જરી અને હીરાનો વેપાર કરે છે.તેમને લેબગ્રોન ડાયમંડ બનાવવાની મશીનરી ખરીદવી હોય ઓનલાઈન સર્ચ કરી કર્ણાકટ બેલગામ ઉદયમબાગ ઇન્ડસ્ટ્રીયલ એરીયા કુંજલ સ્ટીલની બાજુમાં એનેર્ઝી ઈનોટેક સોલ્યુસન્સ પ્રા.લી ના ડિરેકટર પ્રકાશ સોમન્ના મુગલી સાથે વાત કરી તે સુરત આવ્યા બાદ તેમને જુલાઈ 2022 માં રૂ.18.50 લાખની કિંમતના એક મશીન લેખે કુલ 25 મશીનનો ઓર્ડર આપી તેના કુલ રૂ.4,62,50,000 માંથી એડવાન્સ રૂ.1.38 કરોડ ચૂકવ્યા હતા.જોકે, ક્વોટેશન મુજબ પેમેન્ટ કર્યા છતાં ગોપાલક્રિષ્ણભાઈને મશીનની સમસયર ડિલિવરી મળી નહોતી.
કંપનીના ડિરેકટર પ્રકાશ સોમન્ના મુગલી સાથે વાત કરવા છતાં ડિલિવરી નહીં મળતા ગોપાલક્રિષ્ણભાઈ ઓર્ડર કેન્સલ કરી પેમેન્ટ પરત કરવા કહ્યું હતું.પ્રકાશ મુગલીએ ઓર્ડર કેન્સલ થશે નહીં તેવું જણાવ્યું હતું.પણ ત્યાર બાદ પણ ડિલિવરી આપી શક્યા નહોતા.બાદમાં તેમણે સામેથી ઓર્ડર કેન્સલ કરી રૂ.8,92,500 પરત કરી બાકીની રકમ ટુકડે ટુકડે જમા કરવાનું કહ્યું હતું.પણ તે રકમ જમા નહીં કરી ફરી તમને કોઈ રકમ પરત મળશે નહીં તમારે મશીનરી ખરીદવી જ પડશે તેમ કહેતા આખરે ગોપાલક્રિષ્ણભાઈએ ગતરોજ એનેર્ઝી ઈનોટેક સોલ્યુસન્સ પ્રા.લી ના ડિરેકટર પ્રકાશ સોમન્ના મુગલી વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં રૂ.1,29,07,500 ની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.