સુરત નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસ બાદ વડોદરામાં એલર્ટ : રેલવે સ્ટેશન પર આરપીએફ અને રેલ્વે પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ
Vadodara Railway Station : સુરત નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસ બાદ તેમજ આગામી તહેવારોને ધ્યાનમાં રાખી આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે આરપીએફ અને રેલવે પોલીસે સંયુક્ત રીતે ઓચિંતુ ચેકિંગ કર્યું હતું.
સુરત નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસને અટકાવવા સહિત દેશના વિવિધ પ્રાંતમાં તેના ઉથલાવવાના ભાંગ ફોડિયા તત્વોના પ્રયાસને કારણે સતર્ક રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા ઠેર-ઠેર ચેકિંગ કરાઈ રહ્યું છે. આગામી નવરાત્રી સહિત તહેવારોની મોસમમાં મુસાફરોની સલામતી માટે વડોદરા રેલવે સ્ટેશનના તમામ પ્લેટફોર્મ સહિત આવન જાવન કરતાં મુસાફરો અને વેઇટિંગ રૂમમાં આરામ કરતાં મુસાફરો સહિત તમામના માલ સામાનનું રૂટીન ચેકિંગ કરાતા કૌતુક ફેલાયું હતું.
ઉલ્લેખનીય છે કે વડોદરા રેલવે સ્ટેશને આજે રેલ્વે પી.આઈની ટીમ સહિત આરપીએફ જવાનોના કાફલાએ રેલવે સ્ટેશન પરના તમામ પ્લેટફોર્મ સહિત વેઇટિંગના રૂમમાં આરામ ફરમાવતા મુસાફરો તથા ટ્રેન દ્વારા આવતા જતા મુસાફરોના માલ સામાનનું ચેકિંગ સહિત પ્લેટફોર્મ પરના એકલદોકલ મુસાફરોની ટિકિટો, પ્લેટફોર્મ ટિકિટનું ચેકિંગ કર્યું હતું. જેમાં ખુદાબક્ષ મુસાફરો અને પ્લેટફોર્મમાં ટિકિટ વિનાના લોકોને પકડીને દંડ વસૂલાયો હતો. જોકે તમામ પ્લેટફોર્મ પરના ખાદ્ય સામગ્રીના વિવિધ સ્ટોલ પર ઉભેલા ગ્રાહકોનું પણ ચેકિંગ કરાયું હતું. આ ઉપરાંત રેલવે ટ્રેક પર પણ કોઈ અવરોધ અંગે પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ રૂટીન ચેકિંગ દરમિયાન ટ્રેક પર કોઈ અવરોધ રૂપ ચીજવસ્તુ મળી નથી. ઉપરાંત પ્લેટફોર્મ પરથી અને મુસાફરોના માલ સામાન ચેકિંગ દરમિયાન તથા વેઇટિંગ રૂમમાં આરામ ફરમાવતા મુસાફરો પાસેથી પણ કોઈ ગેરકાયદે ચીજવસ્તુ મળી આવી નથી.