સુરતમાં છેડતી કરનાર રોમિયોને યુવતીઓએ જાહેરમાં ખંખેર્યો, સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો
Surat News : સુરતમાં છેલ્લા કેટલાક સમયથી યુવતીઓની છેડતીના કિસ્સાઓ વધી ગયા છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી યુવતીઓની છેડતીનો વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક રોમિયો છેલ્લા ત્રણ દિવસની યુવતીઓનો પીછો કરી છેડતી કરતો હોવાથી યુવતીઓ હિંમત બતાવીને આ યુવકને પકડી પાડી જાહેરમાં સરભરા કરી હતી. ત્યારબાદ આ યુવકને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કાપોદ્રા વિસ્તારમાં ઓફિસ જતી યુવતીઓની છેડતી કરતો હતો. આ ઘટનાક્રમ શનિવારથી ચાલી રહ્યો હતો. ત્યારબાદ યુવતીઓએ નક્કી કર્યું હતું કે જો ફરીવાર આ રોમિયો દેખાય તો તેને પકડી પાડી પાઠ ભણાવવો. ત્યારે આજે ફરી એકવાર યુવતીઓ ઓફિસ જવા નીકળી તો આ યુવક જોવા મળ્યો હતો. જેથી તેને પકડી પાડી જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. આ જોઇને આસપાસમાંથી લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું.
શરૂઆતમાં આ રોમિયોને યુવતીઓને ન ઓળખવાનો ઢોંગ કર્યો હતો, તમે જે સમજો છો તે વ્યક્તિ હું નથી. મેં આ ભૂલ કરી નથી. ત્યારબાદ યુવતીઓ પોતાના પરિવારજનોને બોલાવીને પોલીસ સ્ટેશનના હવાલે કરી દીધો હતો. કાપોદ્રા પોલીસે છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.