જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં કારમાં લિફ્ટ આપીને ચોરી-લૂંટ કરનાર અમરેલીની ચંડાળ ચોકડી LCBના હાથે પકડાઈ
Jamnagar Robbery Case : જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દિવસ દરમિયાન રોડ ઉપર પેસેન્જર તરીકે ઉભેલા લોકોને લિફ્ટ આપીને તેઓ પાસેથી રોકડ રકમ અને સોનું વગેરેની ચોરી-લૂંટ કરનાર અમરેલી પંથકની ચંડાળ ચોકડીને એલસીબીની ટુકડીએ ઝડપી લીધી છે, અને તેઓ પાસેથી રોકડ રકમ, સોનું, કાર વગેરે સહિત 9.88 લાખની માલમતા કબજે કરી છે. જ્યારે ઉપરોક્ત ટોળકીએ જામનગરના પંચકોશી બી.ડિવિઝન પોલીસ મથક અને કાલાવડ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં બે ગુનાને અંજામ આપ્યાની કબુલાત આપી છે.
જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં તાજેતરમાં એક ગુનો નોંધાયો હતો અને કારમાં પેસેન્જર તરીકેની લિફ્ટ આપીને 10,000 ની રોકડ રકમ પડાવી લીધાની ફરિયાદ થઈ હતી. જે ફરિયાદના અનુસંધાને એલ.સી.બી.ની ટુકડી હરકતમાં આવી હતી, અને જુદા-જુદા વાહનોને ચેક કરવામાં આવી રહ્યા હતા.
જે દરમિયાન લાલપુર બાયપાસથી સમાણા તરફ જવાના માર્ગે પસાર થઈ રહેલી એક કારને અટકાવીને તેમાં બેઠેલા અમરેલી પંથકના ચાર શખ્સો સુનિલ વિનુભાઈ સોલંકી, રોહિત ભુપતભાઈ સોલંકી, ધર્મેશ ધીરુભાઈ ચૌહાણ અને અલ્પેશ કિશોરભાઈ સોલંકીને અટકાયતમાં લીધા હતા. જે ચારેયની પૂછપરછ કરતાં તેઓએ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોધાયેલા ગુન્હાને અંજામ આપ્યાની કબૂલાત આપી હતી, અને પેસેન્જર તરીકે એક યુવાનને બેસાડીને રોકડ રકમ સેરવી લીધી હતી.
તેજ રીતે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં નોંધાયો હતો, જેમાં પણ તેઓની સંડોવણી હોવાની કબુલાત આપી છે. પોલીસે ચારેયની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 8,800 ની રોકડ રકમ 19 ગ્રામ સોનાનો ચેઇન અને સેવન સીટર કાર વગેરે સહિત 9,88,000 ની માલમ હતા કબજે કરી લીધી છે, અને ચારેય આરોપીને પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધા છે.