રીક્ષામાં અપહરણ કર્યા બાદ મહિલા પર પૂર્વ પતિએ દુષ્કર્મ ગુજાર્યા બાદ લૂંટ: બે આરોપી ઝબ્બે
Image Source: Freepik
વડોદરા, તા. 13 ઓક્ટોબર 2023 શુક્રવાર
ગોત્રી વિસ્તારમાં પૂર્વ પતિએ જ તેના બે મિત્રો સાથે મળી તેની પૂર્વ પત્નીનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં લૂંટ ચલાવી મારમાર્યો હતો. જેથી મહિલાએ ફરીયાદ મહિલાએ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે નોધાવતા પોલીસે બે આરોપીની ધરપકડ કરી મુખ્ય આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ગોત્રી પોલીસ સ્ટેશનમાં પીડિતાએ ફરીયાદ નોંધાવી છે કે વર્ષ 2021માં તેના પ્રેમ લગ્ન હાર્દિક હસુમખ કોલચા સાથે થયા હતા. લગ્ન થયા બાદ થોડા સમય સુધી બધુ ઠીક ચાલ્યું પણ બાદમાં હાર્દિક તેની પત્ની સાથે વારંવાર ઝઘડા કરી મારઝૂડ કરતો હોવાથી કંટાળીને અંદાજીત છ મહિના પહેલા જ બન્નેએ કોર્ટમાં છુટ્ટાછેડા લઇ લીધા હતા.ત્યારબાદ મહિલા શહેરની એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી. ગત 10 ઓક્ટોબરે તે રાતે નોકરી પરથી ઘરે જવા માટે રિક્ષામાં સ્ટેશન સુધી લઇ જવાનું નક્કી કર્યું હતુ. પરંતુ અગાઉથી જ આ રિક્ષામાં એક શખ્સ મોઢે માસ્ક પહેરી બેઠેલો હતો. થોડે આગળ જતા અન્ય એક શખ્સ પણ રિક્ષામાં આવી માસ્ક પહેરી બેસી બાદ બન્નેએ પીડિતાનું ગળુ અને મોઢુ દબાવી અવાવરૂ જગ્યાએ લઇ ગયા હતા.ત્યાં પહોંચ્યા બાદ ખબર પડી હતી કે માસ્ક પહેરી બેઠેલો શખ્સ તેનો પૂર્વ પતિ હાર્દિક તથા અન્ય શખ્સ તેનો મિત્ર જયેશ હતો. બંને તેઓ રિક્ષા ચાલકને પ્રકાશ નામથી બોલાવતા હતા. અપહરણ કરવા અંગે પીડિતાએ હાર્દિકને પુછતાં જણાવ્યું કે હું તને થોડીવારમાં જવા દઇશ, જેથી પીડિતાએ તેની બહાને સાથે ફોન પર વાત કરવા માટે જણાવતા જયેશના મોબાઇલથી વાત કરાવી હતી. ત્યારબાદ ત્રણેય પીડિતાને પાલિતાણા પાસેના એક ગામની વાડીમાં લઇ ગયા હતા. ત્યાંથી પરત આવતા રસ્તામાં ફરી અવાવરૂ જગ્યાએ રિક્ષા ઉભી કરી હાર્દિક મહિલાને ઝાડીઓમાં લઇ ગયો અને દુષ્કર્મ આચર્યું હતુ. ઉપરાંત પીડિતાનુ પાકિટ છીનવી તેમાંંથી રૂ. 3000 ની રોકડ રકમની લૂંટ ચલાવી હતી. મહિલા હાર્દિકના ચુંગલમાંથી ભાગતાં તેને માર માર્યો હતો. જેથી ઇજાગ્રસ્ત પીડિતાને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જઇ ત્રણેય ફરાર થઇ ગયા હતા.