કાનૂન કે હાથ લંબે હોતે હૈ! વડોદરામાં 25 વર્ષની ઉંમરે લૂંટ કરી હતી, 43 વર્ષ પછી નંદુરબારથી ઝડપી પાડ્યો
Vadodara: વાત છે 26 એપ્રિલ 1981ની. એ દિવસે મધરાત્રે વડોદરાના આલમગીર પાસે નેશનલ હાઈવે પરના એક પેટ્રોલ પંપ પર ધાડપાડુ ટોળકી ત્રાટકી. એ ઘટનામાં લૂંટારુઓને હાથ લાગ્યા માંડ નવ હજાર, પરંતુ પોલીસ માટે ગુનેગારોને પાઠ ભણાવવો જરૂરી હતો. ધાડપાડુઓ તો હાથ ના લાગ્યા પણ પોલીસને ભાળ મળી કે આ ગુનામાં રમેશ ફતુભાઈ વળવી નામના એક શખસ સહિત પાંચ લોકો સામેલ હતા. જો કે 43 વર્ષ પછીયે પોલીસને એકેય લૂંટારુ હાથ ના લાગ્યો. આ દરમિયાન, હજુ થોડા દિવસ પહેલા જ, પોલીસને બાતમી મળી કે, રમેશ વળવી મહારાષ્ટ્રના નંદુરબારમાં રહે છે, જે હવે નામ બદલીને ખેતી કરીને ગુજરાન ચલાવે છે. પોલીસે તેને ઝડપી પાડ્યો છે અને હાલ તેની ઉંમર છે 68 વર્ષ. રમેશ વળવી અત્યારે તો સજ્જન માણસની જેમ જીવે છે, પરંતુ 1981 અને 19982માં તેમણે વાંસદા તાલુકામાં ઘણી બધી ચોરી-લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો હતો. નોંધનીય છે કે, આ કેસના અન્ય ચાર આરોપી હજુ ફરાર છે અને એક તો મૃત્યુ પણ પામી ચૂક્યો છે. આ કેસ ઉકેલવા હાલ વડોદરા પોલીસ 43 વર્ષ જૂની ફાઈલના કાગળ ફંફોસી રહી છે.
આ અંગેની વિગત એવી છે કે વડોદરા શહેર અને જિલ્લામાં નોંધાયેલા ગુનાઓમાં ફરાર આરોપીઓની યાદી પેરોલ ફર્લો સ્કવોડ પાસે પહોંચી હતી જેમાં વરણામા પોલીસ સ્ટેશનમાં વર્ષ-1981માં નોંધાયેલા ધાડના એક ગુનાનો આરોપી ફરાર જણાયો હતો. આ ગુનાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આલમગીર પાસે નેશનલ હાઇવે પર તે સમયે આવેલા રાવજીભાઇ પેટ્રોલપંપ પર તારીખ 26 એપ્રિલ 1981ની મધરાત્રે મારક હથિયારો સાથે ધાડપાડુઓ ત્રાટક્યા હતાં. ધાડપાડુઓએ ડંડા તેમજ કુહાડીથી કેશિયરને માર મારી તે સમયે રૂપિયા 9 હજારની ધાડ પાડી હતી.
ઉપરોક્ત ગુનાનો એક વોન્ટેડ આરોપી રમેશ ફતુભાઇ વલવી (રહે.કોથલી તા.જી. નંદુરબાર) જાણવા મળ્યું હતું. પોલીસે તેના રહેણાંક સ્થળે તપાસ કરતાં કોઇ મળ્યું ન હતું દરમિયાન ખાનગી રાહે તપાસ હાથ ધરતાં જાણવા મળ્યું હતું કે રમેશ ફતુ પોતાનું નામ રમેશ ફતાભાઇ બદલીને નંદુરબાર તાલુકામાં જ પીપલોદ ગામે પરિવાર સાથે રહી ખેતી કરે છે. પોલીસે પીપલોદ ગામે વોચ ગોઠવી હતી અને આખરે રમેશને ઝડપી પાડયો હતો. હાલ તેની ઉમર 68 વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે રમેશ ફતુ વલવીની એક ધાડપાડુ ગેંગ હતી. આ ગેંગે વાંસદા તાલુકામાં તેમજ છાણીમાં પણ વર્ષ 1981,1982માં લૂંટ કરી હતી.
ઝડપાયેલો રમેશ તેમજ ઘરના સભ્યો મોબાઇલનો ઉપયોગ પણ કરતાં ન હોવાથી તેને ઝડપી પાડવામાં મુશ્કેલી સર્જાઇ હતી પરંતુ આખરે તે ઝડપાયો હતો. આલમગીરની ધાડના ગુનામાં હજી ચાર આરોપી ફરાર છે જ્યારે એકનું મોત થયું છે. બીજી બાજુ વરણામા પોલીસ પાસે આરોપી આવતાં હવે જૂના કેસની વિગતો શોધવા પોલીસ કામે લાગી ગઇ છે.