પોલીસની હત્યા કરી LCB લોકઅપમાંથી ફરાર લૂંટારુ મુંબઈમાં ભીખ માંગતો હતો
પારઘી ગેંગનો રાજુ ઉર્ફે સુદર્શન પવાર સુરતથી ભાગીને વતન ઔરંગાબાદ ગયો પણ પોલીસ શોધવા આવતા મુંબઈના કુર્લા, ઘાટકોપરમાં ભિક્ષુક બની ગયો
સુરત શહેર પીસીબીએ 19 વર્ષ બાદ રાજુ ઉર્ફે સુદર્શન પવારને કરજતના જંગલમાં કાચા ઝૂંપડામાં પરિચિતને ત્યાં રોકાયો હતો ત્યાંથી ઝડપી લીધો
- પારઘી ગેંગનો રાજુ ઉર્ફે સુદર્શન પવાર સુરતથી ભાગીને વતન ઔરંગાબાદ ગયો પણ પોલીસ શોધવા આવતા મુંબઈના કુર્લા, ઘાટકોપરમાં ભિક્ષુક બની ગયો
- સુરત શહેર પીસીબીએ 19 વર્ષ બાદ રાજુ ઉર્ફે સુદર્શન પવારને કરજતના જંગલમાં કાચા ઝૂંપડામાં પરિચિતને ત્યાં રોકાયો હતો ત્યાંથી ઝડપી લીધો
સુરત, : સુરત નજીકના ઉચ્છલ નેશનલ હાઈવે ખાતે 19 વર્ષ અગાઉ પોલીસ સાથેની અથડામણમાં એક જમાદારની હત્યા કરી બાદમાં સુરતના કિલ્લા સ્થિત એલસીબીના લોકઅપમાંથી ફરાર થયેલા કુખ્યાત પારઘી ગેંગના સાગરીતને સુરત શહેર પીસીબીએ કરજતના જંગલમાં કાચા ઝૂંપડામાં પરિચિતને ત્યાં રોકાયો હતો ત્યાંથી ઝડપી લીધો છે.પારઘી ગેંગનો સાગરીત સુરતથી ભાગીને વતન ઔરંગાબાદ ગયો હતો.પણ પોલીસ શોધવા આવતા મુંબઈ આવી કુર્લા અને ઘાટકોપરમાં રેલવે સ્ટેશન પર ભીખ માંગી ત્યાં જ રહેતો હતો.
પીસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સપ્ટેમ્બર 2004 માં સુરત નજીકના ઉચ્છલ નેશનલ હાઈવે ખાતે કુખ્યાત પારઘી ગેંગ લૂંટના ઈરાદે નીકળી હતી ત્યારે પોલીસ સાથે અથડામણ થતા તેમણે એક જમાદારની પથ્થરો અને તિક્ષણ હથિયારો મારી હત્યા કરી હતી.આ ગુનામાં ઝડપાયેલા રાજુ ઉર્ફે સુદર્શન પવાર, શિવાનંદ ઉર્ફે દગડુ કાળે અને વિષ્ણુ ઉર્ફે કટ્ટા પવારને પોલીસે ઝડપી પાડી તેમના રિમાન્ડ મેળવી સુરતના કિલ્લા સ્થિત એલસીબીના લોકઅપમાં રાખ્યા હતા.જોકે, 19 ઓક્ટોબર 2005 ની રાત્રે 1.30 વાગ્યે લોકઅપમાં પાથરેલા કારપેટને ગોળ વીંટાળી લોકઅપની બહાર લટકાવેલો પોલીસનો શર્ટ ખેંચી ખિસ્સામાંથી ચાવી કાઢી તાળું ખોલી ત્રણેય ભાગ્યા હતા.જોકે, તે પૈકી વિષ્ણુ ઉર્ફે કટ્ટા પવાર ઝડપાઈ ગયો હતો.જયારે રાજુ ઉર્ફે સુદર્શન પવાર, શિવાનંદ ઉર્ફે દગડુ કાળે ફરાર થઈ ગયા હતા.રાજુ ઉર્ફે સુદર્શન પવાર મૂળ મહારાષ્ટ્રના ઔરંગાબાદનો વતની હોય પોલીસ તેને શોધવા જતી હતી.પણ તે મળતો નહોતો.
દરમિયાન, બે મહિના પહેલા સુરત શહેર પીસીબીના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણીને માહિતી મળી હતી કે રાજુ ઉર્ફે સુદર્શન પવાર પોલીસ તેને શોધી નહીં શકે તે માટે ઓળખ છુપાવી મુંબઈના કુર્લા અને ઘાટકોપર રેલવે સ્ટેશન ખાતે ભીખ માંગે છે અને રેલવે સ્ટેશનની આસપાસ રહે છે.આથી પીઆઈ આર.એસ.સુવેરાએ ખરાઈ કરાવી એક ટીમને ત્યાં મોકલી હતી.જોકે, તે વિસ્તારમાં મોટી સંખ્યામાં ભિખારીઓ રહેતા હોય અને 19 વર્ષ વીતી ગયા હોય પીસીબીની ટીમે બે-ત્રણ વખત ત્યાં જઈ અન્ય ભિખારીઓ સાથે સંપર્ક કેળવી તેમને વિશ્વાસમાં લઈ રાજુ ઉર્ફે સુદર્શન પવાર અંગે વિગતો એકત્ર કરી હતી.હાલમાં ફરી ગયેલી પીસીબીની ટીમને ત્રણ દિવસના રોકાણ દરમિયાન માહિતી મળી હતી કે રાજુ ઉર્ફે સુદર્શન પવાર કુર્લા સ્ટેશન પર ભીખ માંગે છે.પણ ચારેક દિવસથી તે કરજત ગયો છે.
આથી પીસીબીની ટીમ કરજત પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદ મેળવી રાજુ ઉર્ફે સુદર્શન ખંડુ ઉર્ફે નારાયણ પવાર ( પારઘી ) ( ઉ.વ.38 ) ને કરજતના ફુલધરન વિસ્તારમાં દૂરગાંવના જંગલ વિસ્તારમાં એક કાચા ઝૂંપડામાં તે પરિચિતને ત્યાં રોકાયો હતો ત્યાંથી ઝડપી લીધો હતો.તેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે છેલ્લા 17 વર્ષથી મુંબઈમાં ભીખ માંગતો હતો.તેને પરિવારમાં કોઈ નથી.જોકે, એક ભીખારણ સાથે તેના સંબંધ છે અને તેના થકી બે બાળક પણ છે.
રાજુ ઉર્ફે સુદર્શન સુરત પોલીસની નાસતા ફરતા ઈનામી મોસ્ટ વોન્ટેડ-16 ની યાદીમાં સામેલ હતો
સુરત પીસીબીએ છેલ્લા એક વર્ષમાં 16 મોસ્ટ વોન્ટેડમાંથી કુલ 7 આરોપીને ઝડપી લીધા : કુલ 363 જુના વોન્ટેડ આરોપી ચાલુ વર્ષે પકડાયા
સુરત, : સુરત પીસીબીએ ઝડપેલો રાજુ ઉર્ફે સુદર્શન સુરત પોલીસની નાસતા ફરતા ઈનામી મોસ્ટ વોન્ટેડ-16 ની યાદીમાં સામેલ હતો અને તેના પર રૂ.5 હજારનું ઇનામ હતું.સુરત પોલીસે ઓપરેશન ફરાર હેઠળ ગંભીર ગુનાઓમાં વર્ષોથી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ઈનામી મોસ્ટ વોન્ટેડ-16 ની યાદી તૈયાર કરી હતી અને અત્યાર સુધી એક વર્ષમાં આવા કુલ 7 આરોપીને ઝડપી લીધા છે.પીસીબીએ આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 363 જુના નાસતા ફરતા આરોપીને ઝડપી લીધા છે.તેમાં એક આરોપી 44 વર્ષથી, અન્ય એક આરોપી 32 વર્ષથી, 11 આરોપી 26 થી 30 વર્ષથી, 12 આરોપી 21 થી 25 વર્ષથી, 21 આરોપી 16 થી 20 વર્ષથી, 37 આરોપી 11 થી 15 વર્ષથી, 44 આરોપી 6 થી 10 વર્ષથી અને 236 આરોપી 1 થી 5 વર્ષથી વોન્ટેડ હતા.