કપડવંજમાં દબાણો હટાવ્યા બાદ રસ્તાઓ ભંગાર બન્યા
- રસ્તા પર ધૂળ ઉડવાથી લોકો પરેશાન
- પાઈપલાઈનના ખોદકામ બાદ કાચુ પૂરાણ કરાતા ધૂળથી રસ્તા ઢંકાઇ ગયા
કપડવંજ : કપડવંજમાં દબાણો હટાવ્યા બાદ મોટા ભાગના વિસ્તારોમાં રોડ બિસ્માર બન્યા છે. પાણીની પાઈપલાઈન નાખ્યા બાદ માટીનું કાચું પૂરાણ કરવાથી રોડ ઉપર ધૂળ ઉડવાના લીધે નગરજનો હેરાન થઈ રહ્યા છે. ત્યારે કપડવંજમાં રસ્તા ક્યારે બનશે તેવા સવાલો નગરજનો કરી રહ્યા છે.
કપડવંજ નગરપાલિકામાં ચાર મહિના અગાઉ ટ્રાફિક સમસ્યા હળવી કરવા રસ્તા પહોળા કરવા રોહિત વાસ, અંધારિયા વડ, મીનાબજાર, કુબેરજી મહાદેવ રોડ, રત્નાગીરી રોડ, નડિયાદ મોડાસા રોડ પરથી દબાણો હટાવાયા હતા. પાણી પુરવઠા વિભાગ દ્વારા અંદાજે ૧૨ કરોડના ખર્ચે નીલકંઠ, જય બિલનાથ એજન્સી દ્વારા પાણીની પાઈપલાઈનના ખોદકામ બાદ વિવિધ વિસ્તારોમાં ઉબડખાબડ રોડ પર માટીનું કાચું પુરાણ કરી દેવાયું છે. ત્યારે રોડ પર ધૂળ ઉડવાથી નગરજનો હેરાન થઈ રહ્યા છે. ત્યારે કપડવંજમાં ઠેર ઠેર બિસ્માર બનેલા રોડ ક્યારે બનશે તેવા સવાલો નગરજનો કરી રહ્યા છે.
નગરપાલિકાના એન્જિનિયર વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ટેન્ડર પ્રક્રિયા મુજબ મહિના પહેલા નવા રોડ રસ્તા બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે.