વાહન લઈને નીકળો તો ધ્યાન રાખજો! વરસાદમાં ધોવાણ બાદ ગુજરાતનાં આટલા રસ્તા બંધ

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
Gujarat Road


Roads Closed Due To Heavy Rains In Gujarat : રાજ્યમાં ઑગસ્ટ મહિનાના અંતમાં ખાબકેલા અતિભારે વરસાદને કારણે વડોદરા, પોરબંદર સહિતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. જ્યારે ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હોવાથી જનજીવન ખોરવાયાની સાથે અનેક તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન રાજ્યના અનેક રોડ રસ્તાને ભારે નુકસાન થયુ છે, ત્યારે રાજ્યના 357 રસ્તા, 2 નેશનલ હાઈવ, 21 સ્ટેટ હાઈવે સહિત 305 પંચાયત હેઠળના રસ્તા બંધ હાલતમાં છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આ પણ વાંચો : ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી: અમદાવાદ, સુરત, રાજકોટ સહિત આટલા જિલ્લામાં થશે મેઘમહેર

વડોદરામાં રોડ રસ્તાનું રીપેરીંગ કામ શરુ

વડોદરા જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે નુકસાન થયેલા માર્ગ મકાન વિભાગ અને પંચાયત હેઠળના 54 રોડ રસ્તાને રીપેરીંગ, રી-સરફેસીંગ અને મેટલવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

46 રસ્તાઓ બંધ હાલતમાં 

વડોદરા જિલ્લામાં પૂરથી સ્થિતિ પ્રભાવિત પંચાયત હેઠળના 46 રસ્તાઓ બંધ કરાયા હોવાનું માર્ગ મકાન પંચાયત વિભાગના અધિકારી દ્વારા જણાવામાં આવ્યું હતું. આ સાથે 42 રસ્તાઓનું રીપેરીંગ કામ, મેટલ પેચવર્ક, ખાડા પુરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે જિલ્લાના કરજણ તાલુકાના ત્રણ અને પાદરા તાલુકાનો એક માર્ગ બંધ હાલતમાં છે.

વાહન લઈને નીકળો તો ધ્યાન રાખજો! વરસાદમાં ધોવાણ બાદ ગુજરાતનાં આટલા રસ્તા બંધ 2 - image

બપોરના 2થી 4 વાગ્યા સુધીમાં 39 તાલુકામાં વરસાદ ખાબક્યો

રાજ્યમાં આજે (2 સપ્ટેમ્બર) બપોરના 2થી 4 વાગ્યા સુધીમાં 39 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સાબરકાંઠાના પ્રાંતિજમાં 45 મિ.મી., સાબરકાંઠાના હિંમતનગરમાં 40 મિ.મી., તાપીના વ્યારામાં 34 મિ.મી., સુરતના માંડવીમાં 29 મિ.મી., તાપીના ઉચ્છલમાં 24 મિ.મી., તાપીના ડોલવણમાં 22 મિ.મી., સુરતના મહુવામાં 21 મિ.મી. વરસાદ ખાબક્યો છે. 

આવતી કાલની (3 સપ્ટેમ્બર) આગાહી

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે 3 સપ્ટેમ્બરે અતિભારે વરસાદને પગલે ભરૂચ અને સુરત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગર સહિત આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર સહિત સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

વાહન લઈને નીકળો તો ધ્યાન રાખજો! વરસાદમાં ધોવાણ બાદ ગુજરાતનાં આટલા રસ્તા બંધ 3 - image


Google NewsGoogle News