મહુધાથી રુદણ ગામનો રૂા. 1.60 કરોડના ખર્ચે બનેલો રોડ બિસ્માર
- નડિયાદની દવે કન્ટ્રક્શન કું.ને કામ સોંપ્યું હતું
- બે તાલુકાઓને જોડતા 7 કિ.મી. માર્ગ પર ડામર ઉખડી જતા ખાડા પડીને ઉબડખાબડ બન્યો
નડિયાદ : મહુધાથી રુદણ ગામને જોડતા એપ્રોચ રોડનું ૧.૬૦ કરોડના ખર્ચે ડામર કામ કરાયું હતું. થોડા સમયમાં જ આ રોડ ઉબડખાબડ થઈ જતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે.
ખેડા જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ હેઠળ મહુધા અને મહેમદાવાદ તાલુકાના ગામોને જોડતો મહુધાથી રુદણ ગામને જોડતા સાત કિલોમીટરના રસ્તાનું ૨૦૨૧માં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.૧.૬૦ કરોડના ખર્ચે રિસર્ફેસિંગ નડિયાદની દવે કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. આ રોડ નવચેતન, વણસોલ, ધંધોડી, રુદણ, જાલીયા વગેરે ગામોના લોકોની અવર-જવરથી ધમધમતો રહે છે. કરોડો રૂપિયાનું આંધણ કરવા છતાં આ રોડ ઉપર ઠેર ઠેર ઊંડા ખાડા પડી જતાં મગરની પીઠ જેવો બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. જેના કારણે રોડના કામની ગુણવત્તાને લઈને પણ પ્રશ્નો ઉઠવા પામ્યા છે. આ રોડ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને અવર જવર કરવામાં ઘણી જ હાલાકી ભોગવવી પડે છે. આ રોડનું સમારકામ કરવામાં ન આવતા પંથકના લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. ત્યારે રોડનું સત્વરે સમારકામ કરવા માંગણી ઉઠી છે.