ઢાઢર નદી પર નવો બ્રિજ બનતાં ડભોઇ-વાઘોડિયા વચ્ચેનાં રોડ પર વાહનોને ડાયવર્ટ કરાયા
ચાર મહિના સુધી હળવા અને ભારે વાહનો માટે ડાયવર્ઝન અપાયું
વડોદરા, તા.30 ડભોઇથી વાઘોડિયા તરફ જતા સ્ટેટ હાઇવે પર ગોજાલી ગામ પાસે ઢાઢર નદી પર નવો બ્રિજ બનાવવાનો હોવાથી તંત્ર દ્વારા વાહન વ્યવહાર માટે આ બ્રિજને બંધ કરી વાહનોની અવરજવર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જે ચાર મહિના સુધી ચાલુ રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ડભોઇથી ઢોલાર અને વાઘોડિયા તરફ જતા રોડ પર ગોજાલી ગામ પાસે ઢાઢર નદી પર જૂનો તેમજ સાંકડો બ્રિજ હોવાથી તેને તોડીને નવો હાઇલેવલ બ્રિજ બનાવવાની કામગીરી શરૃ કરવામાં આવનાર છે જેના પગલે આ બ્રિજ પરથી વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરાતા વાઘોડિયાથી ડભોઇ જતા હળવા વાહનોને ગોજાલી-કરાલી-કરાલીપુરા-તરસણા થઇને ડભોઇ જવા માટે ડાયવર્ટ કરાયા છે જ્યારે વાઘોડિયાથી ડભોઇ જતા ભારે વાહનોને અવરજવર માટે વાઘોડિયાથી ખેરવાડી ગોલાગામડી ડાયવર્ટ કરવામાં આવ્યા છે. તા.૩૧ મે સુધી વાહનોને ડાયવર્ટ કરવાનો નિર્ણય હાલ લેવામાં આવ્યો છે.