વડોદરા પૂર્વ વિસ્તારમાં પાણી સુધારણા માટે પરિવાર ચાર રસ્તા પાસે કાલથી તા.24 સુધી રસ્તા બંધ
Vadodara : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીના પ્રેસરની સુધારણા અંગે વોર્ડ નંબર 16 આસપાસના વિસ્તારમાં આવતીકાલથી તા.24 ડિસે. સુધી જુદા-જુદા રસ્તા બંધ રહેશે અને વાહનચાલકોએ સુચારું વ્યવસ્થાના ભાગરૂપે ડાઈવરજનના રસ્તાનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે પાલિકાની પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીનું પ્રેસર સુધારવા માટે પરિવાર ચાર રસ્તા પાસે 600 મીમી વ્યાસની લાઈનનું 300 મી.મી વ્યાસની લાઈન સાથે જોડાણ કરવાના કામે આવતીકાલ તા.17થી આગામી તા.24 ડિસે. સુધી આ કામગીરી હાથ ધરાશે. જેથી વાહનચાલકોએ વૈકલ્પિક રૂટ નો ઉપયોગ કરવા કરવા પાણી પુરવઠા પ્રોજેક્ટ તંત્ર દ્વારા જણાવ્યું છે. જેમાં કલાદર્શન ચાર રસ્તાથી આવતા વાહનચાલકો દાબી બાજુના રસ્તાનો ઉપયોગ કરી વૃંદાવન ચાર રસ્તા જઈ શકશે તથા કલાદર્શનથી વહીવટી વોર્ડ 16 તરફના જમણા રસ્તે થઈ રેવા પાર્ક થઈને મુખ્ય રસ્તા તરફ જઈ શકાશે. ઉપરાંત બાપોદ ટાંકી તરફથી કલાદર્શન તરફ જવા-આવવા ઈચ્છુક વાહન ચાલકો વૃંદાવન ચાર રસ્તા તરફ તથા ગુરુકુળ ચાર રસ્તાનો ઉપયોગ કરી શકશે. તેવી જ રીતે સોમા તળાવ તરફથી આવતા વાહન ચાલકો કલાદર્શન ચાર રસ્તા તરફ જવા માટે ગુરુકુળ ચાર રસ્તા તરફથી જઈ શકશે અને વૃંદાવન ચાર રસ્તા તરફથી આવતા વાહનચાલકો કલાદર્શન ચાર રસ્તા તરફ જવા ઉમા ચાર રસ્તા તરફથી જઈ શકશે કેમ પાણી પુરવઠા પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવ્યું છે.