ધોરાજીના જૂનાગઢ રોડ પર રસ્તા રોકો આંદોલન : ચક્કાજામથી વાહનોના થપ્પા
ડાયવર્ઝનના મામલે રોષભેર વિરોધ પ્રદર્શન
નવા રેલવે ઓવરબ્રિજની કામગીરી અંતર્ગત રેલવે ક્રોસિંગ પાસે ડાયવર્ઝન આપવાના બદલે ૮થી ૧૦ કિ.મી. દૂર અપાતા ત્રાહિમામ બનેલા લોકો દ્વારા આંદોલન
કોઈપણ રોડ રસ્તા કે પુલના નિર્માણ કાર્ય સમયે વાહનચાલકો માટે આસપાસમાં ડાયવર્ઝન અપાતું હોય છે. પણ ધોરાજીના જૂનાગઢ રોડ પાસે ઓવરબ્રિજની કામગીરી સંદર્ભે ધોરાજીથી જૂનાગઢ જવા માટે આઠથી દસ કિલોમીટર દૂર ડાયવર્ઝન અપાયું છે. જેના વિરોધમાં ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગકારો, ખેડૂતો, વેપારીઓ દ્વારા જૂનાગઢ રોડ ફાટક પાસે ચક્કાજામનો કાર્યક્રમ વિરોધ સ્વરૂપે અપાયો હતો. તથા લોકોએ રોડ પર ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કર્યો હતો.
આ તકે હિત રક્ષક સમિતિના અગ્રણીઓએ જણાવેલ કે રેલ્વે ક્રોસિંગ પાસે ધોરાજીનો પ્લાસ્ટિક ઉદ્યોગ કાર્યરત છે. વેપારીઓ મજૂરો કે માલ સામાન હેરફેર કરવા માટે ૮થી ૧૦ કિલોમીટર દૂર ફરવા જવું પડે છે. ડાયવર્ઝન ક્રોસિંગ પાસે આપવું જોઈએ. ખેડૂતોએ જણવેલ કે જૂનાગઢ રોડ પર ખેતરોમાં જવા માટે ૮થી ૧૦ કિલોમીટર દુર ફરવા જવું પડે છે.
કાચા રસ્તા પર વાહનોની અવરજવરને કારણે સતત ધૂળ ઉડતી હોઈ અને આસપાસના રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ધોરાજીની જનતા છેલ્લા પાંચ વર્ષથી જેતપુર રોડ અને જૂનાગઢ રોડ અને જમનાવડ રોડ બિસ્માર રસ્તાને કારણે પેરશાન થતી હતી હવે જુનાગઢ રેલવે રોડ ઉપર ઓવરબ્રિજ બનાવવાના કામ બે વર્ષ ચાલવાનું છે. ત્યારે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડયું છે. તે મુજબ ધોરાજીથી જૂનાગઢ જવું હોય તો ફરેણી નાની પરબડી તોરણીયા થઈને જૂનાગઢ જવું પડે છે. ૧૦ કિલોમીટર રસ્તો દૂર થાય છે. અને જૂનાગઢથી ધોરાજી આવું હોય તો જૂનાગઢ ખામ ધ્રોલ ચોકડીથી મજેવડી ગોલાધર થઈને જમનાવડ, ધોરાજી આવવું પડે છે. એ બંને રસ્તા સિંગલ પટ્ટીના છે આટલો મોટો ટ્રાફિક આ રોડ ઉપર ચાલી શકે એમ નથી. તેથી બંને જાહેરનામાં કેન્સલ કરવામાં આળે તેવી માંગણી કરવામાં આવી છે.
નિયમ મુજબ ક્રોસિંગની આસપાસમાં કામચલાઉ પાકો ડામર રોડ બનાવવા માંગ કરાઈ છે. બેથી ત્રણ દિવસમાં આ પ્રશ્નો ઉકેલ નહી આવે તો ધોરાજી બંધ સહિતનાં કાર્યક્રમો યોજવાની ચિમકી અપાઈ છે. ડાયવર્ઝન મામલે થયેલ ચક્કાજામમાં દોઢ કલાક સુધી રસ્તો બંધ રહ્યો હતો. અંતે ધોરાજી પોલીસ સમજાવટથી પ્રાંત અધિકારીને યોગ્ય રજૂઆત કરવા તેમજ તંત્ર તરફથી યોગ્ય સહકારની વાત કરવામાં આવતા આંદોલન સમેટાયું હતું.