Get The App

ભીમનાથ ગામે ધંધૂકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટી ધરમશી પટેલની હત્યા, આરોપીએ દવા ગટગટાવી, પ્રત્યક્ષદર્શીએ કર્યો ઘટસ્ફોટ

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
Dharamshi Patel Murder


Dharamshi Patel Murder : પાટીદાર અગ્રણી અને ધંધૂકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટી ધરમશી પટેલ (ઉં.88 વર્ષ) ની બરવાળાના ભીમનાથ ગામે કરપીણ હત્યા કરી દેવાતા ચકચાર મચી છે. મળતી માહિતી અનુસાર, ધરમશી પટેલ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામના રહેવાસી હતા અને ગામના જ કલ્પેશ મેર (ઉં.32 વર્ષ) નામના શખસે જીવલેણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી નાખી. ઘટનાના પગલે પરિવાર, ગામ અને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ, ઘટના બનતા જ તાત્કાલિક પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જ્યારે આરોપીએ ઝેરી દવા ગટગટાવી છે અને તે હાલ સારવાર હેઠળ છે.

શું છે સમગ્ર ઘટના?

પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, ધરમશી પટેલ ભીમનાથ ગામે પોતાના ઘરની બહાર ઊભા હતા. આ દરમિયાન ઘરની નજીકમાં જ રહેતા કલ્પેશ સવજીભાઈ મેર નામનો શખસ ત્યાં પહોંચ્યો અને ધરમશી પટેલ સાથે બોલાચાલી કરી હતી. 'તમે નોકરીનું શું કર્યું, તમે નોકરી ના અપાવી જેના કારણે મારા ત્રણ વર્ષ બગડ્યાં છે' તેવું કહીને ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ દોડીને તે ઘરે ગયો અને ત્યાંથી દાંતી-લોખંડનો પાઈપ લઈને આવ્યો. આરોપીએ અચાનક હુમલો કરી દેતા ધરમશી પટેલના માથા-ગળામાં ઈજા થઈ હતી અને તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. હાજર લોકોએ આરોપી કલ્પેશના હાથમાંથી તીક્ષ્ણ હથિયાર આંચકી લીધું હતું. આરોપી હુમલો કરીને ફરાર થઈ ગયો હતો અને ધરમશી પટેલને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બોટાદ SPએ ઘટના અંગે જણાવ્યું હતું કે, હત્યા અંગે તપાસ ચાલુ છે. આરોપી કલ્પેશ મેરને પોલીસે દબોચી લીધો હતો. જોકે તપાસ દરમિયાન સામે આવ્યું કે બનાવ બાદ આરોપીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને તે હાલ સારવાર હેઠળ છે. જોકે, હત્યાનું સાચું કારણ  પૂછપરછ બાદ જ સામે આવશે.



Google NewsGoogle News