3 રાજ્યોમાં ભાજપના પ્રદર્શન અંગે ગુજરાતના દિગ્ગજ નેતાનું નિવેદન, કહ્યું- 'જેવી આશા હતી તેવા પરિણામ આવ્યા'
ભાજપ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બહુમત સાથે આગળ ચાલી રહી છે
Rishikesh Patel statement on Assembly Election Results : દેશના ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ માટે અત્યારે મતગણતરી થઈ રહી છે અને ચારેય રાજ્યોની તમામ સીટ પરના શરુઆતના ટ્રેન્ડ બહાર પડી ગયા છે જેમાં ભાજપ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ રાજ્યોમાં બહુમત સાથે આગળ ચાલી રહી છે અને જીતની સંભાવના વધારે છે જ્યારે કોંગ્રેસનો તેલંગાણામાં વિજય લગભગ નિશ્ચિત મનાઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારના પ્રવક્તાનું ચૂંટણીના શરુઆતના ટ્રેન્ડને લઈને નિવેદન સામે આવ્યું છે.
ભાજપ ત્રણ રાજ્યોમાં બહુમત સાથે આગળ
દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાશે તે પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાંથી ચાર રાજ્યોનું પરિણામ આજે જાહેર થશે જ્યારે મિઝોરમ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થશે. હાલ ચાર રાજ્યોના પરિણામ માટે મતગણતરી થઈ રહી છે જેમાં ભાજપ ત્રણ રાજ્યોમાં બહુમત સાથે આગળ છે જ્યારે કોંગ્રેસ એક રાજ્યમાં પોતાની સરકાર બનાવી શકે તેવી સંભાવના ચાલી રહી છે. ભાજપને મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બહુમત સાથે જીત મળી શકે છે ત્યારે ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે.
ભાજપ અને મોદી સરકારનું દરેક કામ ઘર-ઘર સુધી પહોંચ્યું : ઋષિકેશ પટેલ
ઋષિકેશ પટેલે ચાર રાજ્યોના સંભવિત પરિણામ પર નિવેદન આપતા કહ્યું હતું કે પરિણામો અત્યંત સારા છે અને જે રીતે આશા હતી તેમજ પરિણામો સામે આવ્યા છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે ભાજપ અને મોદી સરકારનું દરેક કામ ઘર-ઘર સુધી પહોંચ્યું છે અને અનેક નવી યોજનાઓનો લાભ પણ લોકો સુધી પહોંચ્યો છે. દેશના લોકો વડાપ્રધાન મોદીને ખુબ જ પ્રેમ કરે છે એટલે વિજય નિશ્ચિત છે તેમ તેમણે છેલ્લે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે સાંજ સુધીમાં ચાર રાજ્યોમાં કોણે કેટલી સીટથી વિજય મેળવ્યો તે સ્પષ્ટ થઈ જશે.