Get The App

હવે આ વિસ્તારોમાં દારૂની છૂટ આપવા ઋષિકેશ પટેલના સંકેત, જાણો શું કહ્યું કેબિનેટ મંત્રીએ...

સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં દારૂની છૂટ આપવા અંગે વિચાર-વિમર્શ: ઋષિકેશ પટેલ

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
હવે આ વિસ્તારોમાં દારૂની છૂટ આપવા ઋષિકેશ પટેલના સંકેત, જાણો શું કહ્યું કેબિનેટ મંત્રીએ... 1 - image


Gift City Liquor Ban: રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી આપી છે, જેનો વિપક્ષ વિરોધ કરી રહ્યો છે. આ વિવાદો વચ્ચે ગઈ કાલે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠક પછી રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે,‘કચ્છના ધોરડો, ડાંગના સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં દારૂની છૂટ આપવા અંગે વિચાર-વિમર્શ થઈ રહ્યો છે.’ આ નિવેદન બાદ ફરી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. 

આગામી દિવસોમાં સરકાર આ મામલે વિચારણા હાથ ધરશે: ઋષિકેશ પટેલ

મીડિયા સાથેના સંવાદમાં ઋષિકેશ પટેલને પ્રશ્ન કરાયો કે, 'શું રાજ્ય સરકારે અન્ય જિલ્લાના મહત્ત્વના પ્રવાસન સ્થળોએ પણ દારૂની પરમિટ આપવી જોઈએ?'. તેના જવાબમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું હતું કે, 'હાલ સરકાર માત્ર ગિફ્ટ સિટી મામલે નિર્ણય જાહેર કર્યો છે પરંતુ આગામી દિવસોમાં સરકાર આ અંગે વિચારણા કરશે. કચ્છ, સાપુતારા સહિત કેવડિયા અને અન્ય મહત્ત્વના પ્રવાસન સ્થળોએ સરકાર આવો નિર્ણય કરી શકે છે. જોકે હાલ આ મામલે કોઇ ચર્ચા નથી કરાઈ પણ રાજ્ય સરકાર ગુજરાતના વધુ મહત્ત્વના પ્રવાસન સ્થળો કે જ્યાં વિદેશીઓ સહિત અન્ય રાજ્યોના લોકો આવે છે ત્યાં દારૂ પીવાની મંજૂરી આપી શકે છે. 

રાજ્ય સરકારના નિર્ણયનો વિપક્ષે વિરોધ કર્યો

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાના રાજ્ય સરકારના આ નિર્ણયનો વિપક્ષ દ્વારા ખૂબ વિરોધ કરાઈ રહ્યો છે. આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ગુજરાતમાં પાછલા બારણે દારૂબંધી દૂર કરવાનો નિર્ણય ઘાતક અને દુઃખદ છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી હું વ્યથિત છું. દારૂબંધીના કારણે જ ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. દારૂબંધીના કારણે રાત્રે બે-ત્રણ વાગ્યે દીકરી એકલી ઘરે જઈ શકે છે. તો ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે, દારૂડિયાને છૂટ આપવા અને બુટલેગરોને મોટો ધંધો થાય તે માટે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવી તે નિંદનીય છે. કોઈ માણસ ગુનો કરશે, કોઈને નુકસાન કરશે, નશામાં પકડાશે તો સમગ્ર ગુજરાતમાં એક જ વાત આવશે કે અમે ગિફ્ટી સિટીમાં દારૂ પીધો.



Google NewsGoogle News