અમદાવાદમાં કોરોનાના વધુ 10 કેસ નોંધાયા, રાજ્ય સરકારે કહ્યું- 'ચિંતા કરવાની જરૂર નથી'
દેશમાં શિયાળાની ઠંડી સાથે કોરોના વાયરસના કેસોમાં પણ વધારો જોવા મળ્યો
Corona in Gujarat: ગુજરાત સરકારની ગઈકાલે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં રાજ્યના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ત્યારે કોરોના સ્થિતિ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં હાલ ચિંતાજનક સ્થિતિ નથી. જો કે, આજે અમદાવાદમાં કોરોનાના વધુ 10 કેસ નોંધાયા છે.
તમામ કેસોનું જીનોમ સિકવન્સ કરવામાં આવે છે: ઋષિકેશ પટેલ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના 36 જેટલા કેસ ધ્યાનમાં આવ્યા છે. આપણે ત્યાં આવતા તમામ કેસોનું જીનોમ સિક્વન્સ કરીએ છીએ. આ ટાઇપના ભારતમાં સૌથી વધારે કેસ ગુજરાતમાં આવ્યા છે કારણ કે, આપણે આ તમામ કેસોનું જીનોમ સિકવન્સ કરીએ છીએ એટલે આ આંકડો આપણને વધારે લાગે છે. 36 કેસમાંથી 22 રિકવર થઇ ગયા છે અને 14 હોમ આઇસોલેશનમાં છે. 27 ડિસેમ્બરમાં આપણે 800થી વધારે કેસની તપાસ કરી જેમાંથી 14 લોકો પોઝિટિવ આવ્યા છે. કોરોનાનો ગુજરાતમાં પોઝિટિવીટી રેટ ઘણો જ ઓછો 0.86 જેટલો છે. ગુજરાતમાં હાલ ચિંતાજનક સ્થિતિ નથી.
દેશમાં કોરોનાના કારણે છ લોકોએ જીવ ગુમાવ્યો
દેશમાં શિયાળાની ઠંડી સાથે કોરોના વાયરસના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં 692 નવા કેસ નોંધાયા છે એટલે કે દર કલાકે કોરોનાના 28 નવા કેસ મળી રહ્યા છે. આ સાથે જ સક્રિય કેસનો આંકડો વધીને 4097 પર પહોંચી ગયો છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં છ લોકોએ જીવ ગુમાવ્યો છે જેમાં બે મહારાષ્ટ્રમાં અને કર્ણાટક, દિલ્હી, કેરળ અને પશ્ચિમ બંગાળમાં એક-એક મૃત્યુ થયા છે.
અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો
આજે અમદાવાદ શહેરમાં નવા 10 કેસ નોંધાયા છે. નવરંગપુરા નારણપુરા બોડકદેવ થલતેજ અને નિકોલ માંથી નવા કેસ સામે આવ્યા છે. કોરોનાની ઝપટે ચડનારની ટ્રાવેલ હિસ્ટ્રી ગોવા, સિંગાપુર અને ઓસ્ટ્રેલિયા નીકળી છે.