ઋષિ કપુરની ફિલ્મ 'પટેલ કી પંજાબી શાદી'નું ૧૦ દિવસનું શુટીંગ સુરતમાં થયુ હતું
જેટલા દિવસ રહ્યા એટલા દિવસ સવારે નાસ્તામાં સુરતી લોચો ખાતા
સુરત તા-30 એપ્રિલ 2020 ગુરૃવાર
બોલિવુડમાં કપુર ખાનદાનનો રોમેન્ટિક હીરો ઋષિ કપુરની વિદાઇએ ફિલ્મજગતને સતત
બીજા દિવસે મોટો ઝટકો આપ્યો છે. ઋષિકપુરે રોમેન્ટિક, કોમેડી
અને વિલનના રૃપમાં પણ ખુબ વાહવાહી મેળવી છે. તેની 100થી વધુ ફિલ્મોમાંથી એક
ફિલ્મનું 10 દિવસનું શુંટિંગ સુરતમાં થયુ હતું. સુરત સાથે તેમનો વિશેષ લગાવ રહ્યો
હતો. અહીંના સી-ફૂડ સાથે લોચો પણ તેમને ખુબ પસંદ પડયો હતો.
વર્ષ 2017માં રૃપેરી પર્દે રજૂ થયેલી
ઋષિકપુર અને પરેશ રાવલની કોમેડી ફિલ્મ 'પટેલ કી
પંજાબી શાદી'નું 10 દિવસનું શુટીંગ સુરતમાં થયુ હતું. આ
ફિલ્મમાં જ અભિનય કરનાર સુરતના એક્ટર કુકુલ તારમાસ્ટરના જણાવ્યા અનુસર ડુમસ રોડ પર
સાયલન્ટ ઝોનમાં તા- 26મી ડિસેમ્બર-2013થી તા-3જી જાન્યુઆરી 2014 સુધી શુટિંગ
ચાલ્યુ હતું. અહી ફિલ્મમાં બતાવવામાં આવેલી ગુજરાતી સોસાયટી અને ગેરેજનો સેટ ઉભો
કરાયો હતો. ડિરેક્ટર સંજય છેલની આ ફિલ્મમાં પરેશ રાવલ ગુજરાતીની ભૂમિકામાં અને ઋષિ
કપુર પંજાબીની ભૂમિકામાં હતાં. ફિલ્મમાં સુરતના કુકુલ તારમાસ્ટર સહિત કપિલદેવ
શુક્લ અને અન્ય સુરતી કલાકારોની પણ નાનકડી ભૂમિકાઓ હતી. શૂટિંગના બીજા દિવસે ફિલ્મ
સાથે સંકળાયેલા કિરણબેન સોની નાસ્તો માટે લોચો લઇ આવ્યા હતાં. ઋષિકપુરે એનો સ્વાદ લીધા
બાદ તેઓ એકદમ ખુશખુશાલ થઇ ગયા હતાં. પછી તો શૂટિંગ ચાલ્યુ ત્યાં સુધી દરરોજ લોચો
આવતો હતો. કપુર પરિવાર ખાવા-પીવાનો શોખીન ગણાય છે. ઋષિકપુરને લોચો સિવાય સુરતનું
સી ફૂડ પણ ગમ્યુ હતું. સુરતના લોકો ખુબ માયાળુ હોવાનું તેઓ કહેતા હતાં. બીજીવાર
ચાંસ મળે તો ફરી સુરતમાં શુટીંગ માટે આવવાની પણ તૈયારી બતાવી હતી. ડાઉન ટુ અર્થ
પર્સનાલિટી ધરાવતા આ એક્ટર તેમના પાત્રો થકી હમેંશા ચાહકોમાં જીવંત રહેશે.
વટસાવિત્રીના સીનમાં સુરતી મહિલાઓ ઉમટી પડી
'પટેલ કી પંજાબી શાદી' ફિલ્મમાં એક
વટસાવિત્રી વ્રતનો સીન છે. જેનું શુટીંગ પણ સુરતમાં જ થયુ. જે માટે થોડી મહિલાઓની
જરૃર હતી. ત્યારે સુરતની અઠવા, અડાજણ, વેસુ
વગેરે વિસ્તારમાંથી ઋષિકપુરની ફિલ્મમાં કામ કરવાનું છે એમ કહીને ૫૦થી વધુ મહિલાઓ
ઘરેથી વટસાવિત્રી વ્રતનો સાજ શણગાર કરીને આવી પહોંચી હતી. વટસાવિત્રીના સીનમાં
દેખાતી મહિલાઓ સુરતી છે.
થર્ટી ફર્સ્ટ અને ન્યુયર સુરતમાં જ મનાવ્યા
ડિસેમ્બરના છેલ્લા વિકમાં શુટીંગ શરૃ થયુ હોવાથી ઋષિકપુરે થર્ટી ફર્સ્ટ અને
2014નુ નવુ વર્ષ સુરતમાં જ મનાવ્યુ હતું. પાર્લે પોઇન્ટની ગેટ વે હોટેલમાં તેઓ
રોકાયા હતાં. થર્ટી ફર્સ્ટની પાર્ટી પણ અહીં જ કરી હતી.