વડોદરા જિલ્લાના ભૂગર્ભ જળના સ્તરમાં 1 થી 11 મિટર સુધીની વૃદ્ધિ, સૌથી વધુ અટલાદરામાં
Vadodara : સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં એ વાત ફલિત થઇ છે કે, વડોદરા જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહનું પ્રમાણ વધતા ભૂગર્ભ જળસ્તરમાં 11 મીટર સુધીની વૃદ્ધિ નોંધાઇ છે. ઉક્ત કેન્દ્રીય સંસ્થા દ્વારા જિલ્લાના 25થી વધુ ગામોમાં વર્ષ-2021થી તબક્કાવાર ઉનાળા અને ચોમાસા દરમિયાન ટ્યુબ વેલ, બોરવેલ અને કૂવામાં પાણીની ઉંડાઇના માપ લેવામાં આવ્યા હતા. ભૂગર્ભ જળના સ્ત્રોતો માટે એવા ગામો અને સ્થળો પસંદ કરવામાં આવ્યા હતા કે જે નદી કે સરોવરથી દૂર હોય અને જીવંત હોય.
સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા ભૂગર્ભ જળના સ્તરમાં થઇ રહેલા ફેરફારો નોંધવા માટે સમગ્ર ગુજરાતમાં 850થી વધુ સ્થળોએ કૂવા, ટ્યુબવેલ, અને બોરવેલમાં નિયત સાધનો બેસડવામાં આવ્યા છે. તે પૈકી વડોદરા જિલ્લામાં 25થી વધુ સ્થળો ગામોને પસંદ કરવામાં આવ્યા છે.
વડોદરા જિલ્લામાં ભૂગર્ભ જળની સ્તર વૃદ્ધિનું સૌથી સારુ પ્રમાણ અટલાદરામાં નોંધાયું છે. વર્ષ-2023ના ઉનાળામાં અહીં 19.10 મીટર ઉંડુ પાણી હતું. તેની સામે વર્ષ 2024ના ઉનાળામાં 7.80 મીટરે નોંધાયું હતું. અહીં એમબીજીએલથી 11.3 મીટરની વૃદ્ધિ નોંધાઇ હતી.
સાવલી તાલુકાના ટુંડાવ ગામે પણ સારું પરિણામ જોવા મળ્યું છે. અહીં વર્ષ-2021ના ઉનાળા દરમિયાન ભૂગર્ભ જળની ઉંડાઇ જમીનના ઉપલા સ્તરથી 11 મીટર નીચે જણાઇ હતી. આ જ પ્રમાણ વર્ષ-2024ના ઉનાળામાં 7 મીટર નોંધાયું છે. એનો મતબલ કે જમીનમાં પાણીનું સ્તર ચાર મીટર ઉંચું આવ્યું છે.
આ સ્તરને મીટર બિલોવ ગ્રાઉન્ડ લેવલ તરીકે માપવામાં આવે છે. વડોદરા જિલ્લામાં આ સ્તર 22 થી 56 મીટર વચ્ચે છે. એટલે કે, આ એમબીજીએલ બાદ પાણીના સ્તરને માપવામાં આવે છે. વાસ્તવિક રીતે પાણી મીટર બિલોવ ગ્રાઉન્ડ લેવલ અને ઉક્ત મીટરની ઉંડાઇથી મળે છે. જેમ કે, અટલાદરાનું એમબીજીએલ 13 મીટર છે, હવે ત્યાં 7.8 મીટર નીચે પાણી મળે તો એનો મતલબ કે 13 વત્તા 7.8 મીટર, 20.8 મીટર ઉંડાઇએ પાણી હોય છે.
પાદરા તાલુકાના ચાણસદમાં ગ્રીષ્મ-2021માં 6.90 મીટર નીચે જળ હોવાની સામે આ ઉનાળામાં 4.40 મીટરનું પ્રમાણ નોંધાયું હતું. અહીં ત્રણ વર્ષમાં અઢી મીટરની વૃદ્ધિ નોંધાઇ છે. આ ઉપરાંત છત્રાલ, ધરમપૂરી, સાઠોદ, તુલસીગામ, જરોદ, શંકરપૂરા, બાજવા, ડભોઇ, સૂરાશામળ, બામણગામ, અંજેસર, પાંચદેવળા, કુરલમાં પણ ભૂગર્ભ જળના સ્તર ઉંચા આવ્યા છે. આ ગામોમાં એકથી સાડા ત્રણ મીટર સુધીની જળ સ્તરની વૃદ્ધિ થઇ છે.
જિલ્લામાં પંચાયત સિંચાઇ વિભાગ હેઠળ ચેકડેમો સહિત કુલ 135 જળાશયો છે, તેમાં કુલ 37.04 એમસીએમ પાણીનો સંગ્રહ થાય છે. જ્યારે, રાજ્ય સિંચાઇ વિભાગ હસ્તક દેવ ડેમ, વઢવાણા સહિત કુલ 394 જળાશયો છે અને તેમાં 229.35 એમસીએમ પાણી સંગ્રહિત થઇ શકે છે. આ ઉપરાંત વડોદરા જિલ્લામાં 81 અમૃત સરોવરો પણ છે.