રાજકોટ અગ્નિકાંડમાં મોટા માથાઓને છાવરતી તપાસ સામે લોકોનો રોષ ભભૂક્યો, નારેબાજી પણ કરાઈ
Rajkot Fire News | રાજકોટમાં અધિકારીઓ અને પદાધિકારીઓથી ચાલતા તંત્રની ઘોર લાપરવાહી અને અને ગેમઝોનના સંચાલકો-માલિકો સાથે મિલીભગતના પાપે સર્જાયેલા અગ્નિકાંડની બે-બે સિટની તપાસને દોઢ માસથી વધુ સમય વિતી જવા છતાં માત્ર અમુક ગુનેગારો પુરતી જ તપાસ સીમિત રહી જતા અને મોટામાથાઓને આજ સુધી છાવરવામાં આવતા લોકોમાં વ્યાપક રોષની લાગણી જોવા મળી છે અને આજે વધુ એક વાર વિવિધ સામાજિક સંગઠનોના આગેવાનોએ કલેક્ટર કચેરીએ ધસી જઈને અગ્નિકાંડના પીડિત પરિવારોને 'ન્યાય આપો, ન્યાય આપો ' તેવા સૂત્રોચ્ચારો સાથે આવેદનપત્ર આપ્યું હતું.
પાષણ હૃદય પણ કંપી ઉઠે તેવી અત્યંત ગોઝારી અને દર્દનાક ગુનાના કૃત્યન 47 દિવસ થવા છતાં મોટામાથા,પદાધિકારીઓ સામે પગલા લેવાયા નથી. કલેક્ટરને રજૂઆતમાં જણાવાયું કે અમુક પદાધિકારીઓ અને અધિકારીઓની લાલચને કારણે આ ઘટના બની છે અને તેમાં દુઃખ હવે ગુસ્સામાં ફેરવાયેલ છે. પીડિત પરિવારો વતી અમારી રજૂઆત છે કે ગુનેગારોને કડકમાં કડક સજા થાય, ઘટનાની તપાસ પૂરી નિષ્ઠાથી નિષ્પક્ષ કરીને કોઈ પણ મોટા અધિકારી કે નેતાઓને છોડવામાં ન આવે.
આગેવાનોએ ' મનસુખ સાગઠીયા તો ઝાંખી હૈ, પિકચર અભી બાકી હૈ, ન્યાયની દેવીને વિનંતિ કે તમામ દોષિતોને સજા આપો, ગુન્હેગારોની મિલ્કત જપ્ત કરો'એવા લખાણો સાથે બેનર્સ પ્રદર્શિત કર્યા હતા અને આરોપીઓની સંપત્તિ જપ્ત કરીને પીડિત પરિવારોને સોંપવા માંગણી કરી હતી. રજૂઆતની સાથે ન્યાયની દેવીની પ્રતિમા પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા વિપક્ષો સહિત અનેક લોકોએ તટસ્થ તપાસની માંગણી કરી છે. આ માંગણી સાથે બંધનું એલાન અપાયું ત્યારે રાજકોટના વેપારીઓએ જડબેસલાખ અને સ્વયંભુ બંધ ગત ૨૫ જૂને પાળ્યો હતો. છેલ્લે પીડિત પરિવારો મુખ્યમંત્રીને રૂબરૂ મળ્યા ત્યારે પણ મોટામાથાઓ કે જે ખરા જવાબદારો છે તેના સુધી તપાસ પહોંચે અને તટસ્થ-ન્યાયિક તપાસ થાય તેવી માંગણી કરી હતી. એકંદરે આજ સુધી સરકારની સિટ અને રાજકોટ પોલીસની સિટની તપાસથી લોકોને સંતોષ નથી પરંતુ, છાવરવામાં આવી રહ્યા છે તેવી શંકા સાથે આક્રોશ પ્રસરી રહ્યો છે.