રાપરમાં ધિંગાણું : યુવાન ઉપર હુમલો કરી દુકાન સળગાવી, બે કારમાં તોડફોડ
રાપરમાં જૂના ઝઘડાના મુદ્દે બબાલમાં બાવીસ સામે ફરિયાદ
સામા પક્ષનાં ૩ મહિલા સહિત ૧૭ શખ્સોએ દુકાનમાં આગ ચાંપી
બે જૂથના ટોળાં એકત્ર થતાં હોસ્પિટલમાં પોલીસના ધાડાં ઉતારાયા
રાપરમાં રહેતા કાનજીભાઈ ગોરાભાઈ ચૌહાણે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, ફરિયાદીનાં ભાઈ ભાઈ લક્ષ્મણભાઈ અને ભત્રીજા સુંદરભાઈનું આરોપીઓ રામજી પુરિાણા, પ્રભુ રામજી પિરાણા, રાજુ રામજી પિરાણા અને દિનેશ રામજી પિરાણા સાથે અગાઉ ઝઘડો થયો હતો. જે બાબતનું મનદુઃખ રાખી તમામ આરોપી ઉપરાંત ભાવેશ દયારામ અખિયાણી ગેરકાયદેસર રીતે મંડળી બનાવી અને પ્રાણ ઘાતક હથિયારો ધારણ કરી રાપરની સામે આવેલી ફૂડ ગેલેરી નામની દુકાન આગળ જમવાનું પાર્સલ લેવા આવેલા ફરિયાદી અને તેની સાથે મહેશભાઈ સામાભાઈ કોળી પર તમામ શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં પાંચેય શખ્સોએ ફરિયાદીને ગાળો આપી જાતિ સૂચક શબ્દો બોલી મારી નાખવાના ઇરાદે લાકડાનાં ધોકા અને લોખંડનાં પાઇપ વડે હુમલો કરી ફરિયાદીને લોખંડનાં પાઇપ વડે બેફામ મારમારી ફરિયાદીને હાથ અને પગનાં ભાગે ફ્રેક્ચર સહીતની ઈજાઓ તેમજ માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી પાંચેય આરોપી નાસી ગયા હતા.
જેથી ફરિયાદીએ તમામ ૫ શખ્સો વિરુદ્ધ રાપર પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ સહીતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. તો સામે પક્ષનાં રાજુભાઈ રામજીભાઈ પિરાણા (રહે. પાવર હાઉસ રાપર)એ રાપર પોલીસ મથકે ક્રોસ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, આરોપી પાર્થ કાનજી ચૌહાણ, ભારતીબેન કાનજીભાઈ ચૌહાણ, રમેશ ગોરાભાઈ ચૌહાણ, તેની પત્ની, ભાવનાબેન કિશોરભાઈ ધૈયડા, સુમિત લખમણ ચૌહાણ, સુરેશભાઈ લખમણ ચૌહાણ સામજી ગોરા ચૌહાણનો દિકરો અને બીજા ૯ અજાણ્યા શખ્સો પોતાનો સમાન ઈરાદો પાર પાડવા ગેરકાયદે મંડળી બનાવી ફરિયાદીની દુકાન પર જઈ શટરમાં પાવડાનો હાથો અને ત્રિકમ વડે મારી શટરમાં નુકશાન કર્યો હતો.તેમજ દુકાનનાં શટર પર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી. જે બાદ તમામ આરોપી સાથે મળી ફરિયાદીના ઘરે ગેરકાયદે અપપ્રવેશ કરી ઘરમાં પાર્ક કરેલી બંને ગાડીના આગળ પાછળ અને સાઈડના કાંચમાં ધોકા મારી તોડી ફરિયાદીને ૪૨ હજારનું નુકશાન પહોચાડયું હતુ. જેથી ફરિયાદીએ ત્રણ મહિલા સહીત કુલ ૧૭ શખ્સો વિરુદ્ધ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી હતી.ઝગડામાં ગંભીર રૂપે ઘાયલ યુવાનને રાપરનાં સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ઝગડાનાં બનાવ અંગે જાણ થતા ટૂંક સમયમાં લોકોનાં ટોળે ટોળા હોસ્પિટલમાં ભેગા થઇ ગયા હતા. જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બંને એ માટે પૂર્વ કચ્છ પોલીસનો મોટી સંખ્યામાં કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.