રાજુલામાં ડોક્ટરની બેદરકારીથી મૃત્યુ થયાનાં આક્ષેપ સાથે હોસ્પિટલમાં હંગામો
પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા પોલીસ તંત્રમાં દોડધામ : સરકારી હોસ્પિટલનાં તબીબે પોતાની ખાનગી હોસ્પિટલમાં દર્દીને ખસેડયા બાદ બાટલો ચડાવતા રીએકશન આવતા જીવ ગુમાવ્યો હોવાનો ગંભીર આરોપ
રાજુલા,: રાજુલાના ભેરાઈ ગામના વૃધ્ધનું રાજુલા સરકારી હોસ્પિટલની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ કરી વૃધ્ધના પરિવારે વૃધ્ધનો મૃતદેહ રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે લાવી ત્યાં રાખી દઈ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી હંગામો મચાવતા પોલીસ દોડી ગઈ હતી. તથા મૃતદેહને ભાવનગર ખાતે ફોરેન્સિક પીએમ માટે ખસેડી પરિવારના નિવેદન લેવા કાર્યવાહી હાથ ધરી હતી.
રાજુલાના ભેરાઈ ગામે રહેતા અને ખેતીકામ કરતા ભોપાભાઈ વાઘ (ઉ.વ. 67) ને પગમાં રસી થતા રાજુલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે તેમના પરિવાર દ્વારા લાવવામાં આવ્યા હતાં. સરકારી હોસ્પિટલમાં ફરજ પરના તબીબ ડો.એમ.જે. બલદાણીયાએ દર્દીને સારવાર માટે પોતાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાનું જણાવ્યું હતું.
તેથી દર્દીને તેમની હોસ્પિટલે લઈ જવાયા હતાં. ત્યાં સારવારમ માટે બાટલો ચડાવતા દર્દીને રિએકશન આવતા સારવાર કરી રહેલા ડો. બલદાણીયાએ દર્દીને અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડતા ત્યાં દર્દીનું મોત થયું હતું. તેથી સરકારી હોસ્પિટલના તબીબથી દર્દીનું મોત થાયના આક્ષેપ સાથે પરિવારે મૃતદેહને રાજુલા સરકારી હોસ્પટલે લઈ જઈ ત્યાં મૂકી દઈ સરકારી તબીબ સામે ફરિયાદ નોંધવાની માંગ કરી હોબાળો કરતા રાજુલા પોલીસ દોડી ગઈ હતી. રાજુલા પોલીસે દર્દીના મૃતદેહને ભાવનગર ખાતે ફોરેન્સિક પીએમ માટે ખસેડી પરિવારના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે.