સરકારી કચેરીઓ અને પો.સ્ટે.માં ધાર્મિક દબાણો સામે તંત્રનું મૌન
લોકોની અવરજવરવાળી જાહેર સરકારી જગ્યામાં થયેલા દબાણો દિવસેને દિવસે વધતા જતા હોવા છતાં કોઇ પગલાં નહી
વડોદરા, તા.12 હાઇકોર્ટના દિશા નિર્દેશ મુજબ રાજ્યમાં જિલ્લા અને શહેર કક્ષાએ જાહેર સ્થળોએ ગેરકાયદે ધાર્મિક સ્થળોને દૂર કરવા માટે કમિટિઓની રચના કરવામાં આવી છે પરંતુ વિવિધ સરકારી કચેરીઓમાં જ સરકારી જમીનો પર અનેક સ્થળોએ ધાર્મિક સ્થળો બનાવી દેવામાં આવ્યા છે તે તરફ કમિટિનું ધ્યાન જતું નથી.
ઉલ્લેખનીય છે કે રસ્તા પરના ધાર્મિક સ્થાનો હટાવવાના સુઓમોટો કેસમાં હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં ધાર્મિક સ્થાનોના દબાણો સામે જરૃર પડે તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પણ પગલાં લેવા પડે તો લો તેમ જણાવવામાં આવ્યું હતું. હાઇકોર્ટના નિર્દેશ મુજબ સરકાર પણ જાહેર સ્થળોએ ધાર્મિક દબાણો હટાવવા મુદ્દે ગંભીર છે પરંતુ વિવિધ સરકારી કચેરીઓ અને પોલીસ સ્ટેશનોમાં જે સરકારી જગ્યા છે ત્યાં અનેક સ્થળોએ ધાર્મિક દબાણો છે તેના પર તંત્રની નજર જતી નથી.
વડોદરા જિલ્લામાં આવેલી સરકારી કચેરીઓમાં છેલ્લા ઘણા વર્ષોથી ધાર્મિક દબાણો હોવા છતાં તંત્રનું ધ્યાન આ દબાણો પર જતું નથી. રોજે રોજ અનેક અરજદારો તેમજ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની અવરજવર હોવા છતાં આ દબાણો દૂર કરવા માટે કોઇ કાર્યવાહી થતી નથી. સરકારી અધિકારીઓના નાક નીચે જ આ દબાણો હોવા છતાં તે તરફ હજી સુધી તંત્રનું ધ્યાન પણ ગયું નથી.
વડોદરા જિલ્લામાં આવેલી કેટલીક સરકારી કચેરીઓ તેમજ પોલીસ સ્ટેશનોમાં ધાર્મિક દબાણો હોવા છતાં તેને દૂર કરવા માટે હજી સુધી કોઇ પહેલ થઇ નથી. આ દબાણો દિવસે ને દિવસે વિસ્તરતા જતા હોવા છતાં તેને અટકાવવા માટે પણ કોઇ પગલાં લેવામાં આવતા નથી. સરકારી અધિકારીઓની નજર સામે જ આ દબાણો વધી રહ્યા છે પરંતુ તેને અટકાવવા માટે હજી સુધી કોઇ કાર્યવાહી નહી થતાં આશ્ચર્ય સર્જાયું છે. તંત્ર દ્વારા ધાર્મિક દબાણો સામે આંખ આડા કાન કરવાથી દબાણો વધી રહ્યા છે. આ દબાણો સરકારી જમીનો પર જ છે જેથી લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી પણ થઇ શકે પરંતુ સરકાર પક્ષ દ્વારા કોઇ ધ્યાન અપાતું નથી.