ઉના પાસેના મેણ ગામે સસ્તાં અનાજના જથ્થા સાથે છકડો રિક્ષા ચાલક પકડાયો
રાશનના માલનો કાળો કારોબાર : સરકારી વિતરણ વ્યવસ્થાનો બેફામ દુરૂપયોગ : પુરવઠા વિભાગની ટીમે વધુ તપાસ હાથ ધરી
ઊના, : ઊના પંથકમાં રાશનના માલનો કાળો કારોબાર ફુલ્યો ફાલ્યો હોય તેમ મેણ ગામેથી સસ્તા અનાજના જથ્થા સાથે એક રિક્ષાચાલક ઝડપાઇ ગયો હતો. આ માલની હેરાફેરીની વિગતો મેળવવા પુરવઠા વિભાગે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.
રાશન કાર્ડમાં દીન દયાળ યોજના હેઠળ જરૂરિયાતમંદ પરિવારોને અનાજ વિતરણ કરવામાં આવે છે પરંતુ ઘણાં લોકો દ્વારા તેનું બારોબાર વેંચાણ કરાતું હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. આ બાબતે મેણ ગામના જાગૃત નાગરિક સાગરભાઈ ઉકાભાઈ પરમારે ગત તા.16ના પ્રાંત અધિકારી, ઊનાને પત્ર પાઠવી ધ્યાન દોર્યું હતું કે, મેણ ઉપરાંત ગુંદાળા, ભડીયાદર, ચાંચકવડ, ઝુડવડલી, ભાચા, કંસારી સહિતના ગામોમાં અમુક લોકો કૂપનમાં મળતો અનાજનો જથ્થો દુકાનેથી લીધા બાદ બારોબાર વેંચી નાખે છે. તેમની પાસેથી આ રાશનનો માલ ખરીદવા રીક્ષા જેવા વાહનો હરતા ફરતા રહે છે.
મેણ ગામે આવી સસ્તા અનાજનો જથ્થો લઈ જતી રીક્ષાને ઉભી રખાવી ફોન કરી પુરવઠા અધિકારીને બોલાવી તેને પકડવામાં જાગૃતિ બતાવી હતી. પુરવઠા વિભાગની ટીમે રીક્ષા ચાલકની વધુ પૂછપરછ હાથ ધરી છે. અત્રે નોંધનીય બની રહેશે કે, કૂપનમાં મળતા અનાજને નવી પદ્ધતિથી અમુક લોકો કાળા બજાર સુધી પહોંચતું કરે છે. રીક્ષા આખા ગામમાં ફરે અને સસ્તા ભાવે અનાજ લઈ તે નિયત જગ્યાએ ભેળસેળ કે અન્ય બીજા ઉપયોગ માટે પહોંચતું કરે છે. આવા સસ્તા અનાજનો સંગ્રહ કરતા ગોડાઉન અગાઉ પકડાયા હતા પણ આજદિન સુધી કાળા બજારીયા કે સંગ્રહખોરોને સકંજામાં લેવામાં તંત્ર નિષ્ફળ જ રહ્યું છે.