લાલપુર તાલુકાના નવા ધૂણીયા ગામમાં રહેતા રીક્ષા ચાલક યુવાનને પૂર્વ સસરા અને બે સાળાએ ધોકાવી નાખી હાથ પગ ભાંગી નાખ્યા
જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના નવાઘુણીયા ગામમાં રહેતા અને રીક્ષા ચલાવતા ફારુક હનીફભાઈ નોઈડા નામના 28 વર્ષના રીક્ષા ચાલક યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા, પાઇપ, લોખંડના એંગલ સહિતના હથિયારો વડે હુમલો કરી માથું ફોડી નાખવા અંગે તેમજ પગમાં ફેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે પોતાના પૂર્વ સસરા અનવર ઓસમાણભાઈ નોઈડા તેમજ સાળા અસલમ નોઈડા અને નાઝીમ નોઇડા સામે ફરિયાદ નોંધાવી છે.
જ્યારે ઇજાગ્રસ્ત રીક્ષા ચાલક યુવાનને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યાં તેને માથામાં કેટલાક ટાંકા લેવા પડ્યા છે, જ્યારે પગમાં ફ્રેક્ચર થયા હોવાથી સારવાર ચાલી રહી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર રિક્ષચાલક હનીફભાઈ કે જેની પત્ની સાથે ગત ચોથી તારીખે તલાક થઈ ગયા હતા, અને પત્નીએ પોતાનો કરિયાવરનો સામાન લઈને જતી વખતે રીક્ષા ચાલક યુવાનનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને પૈસા પણ સાથે લઈ ગઈ હતી, જેથી તે રકમ અને સર્ટી. પર લેવા માટે ગઈકાલે તેના પૂર્વ સસરા ને ઘેર જતાં આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.
સમગ્ર મામલે લાલપુરના પ્રોબેશનલ પીએસઆઇ એ.જી. જાડેજા તેમજ સ્ટાફના કુલદીપ સિંહ જાડેજા વગેરે એ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે, અને હાલ ત્રણેય હુમલાખોરો ભાગી છુટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવાઇ રહી છે.