Get The App

રાજકોટમાં રિક્ષા ચાલક રૂા. 3.13 લાખના માદક પદાર્થ સાથે ગિરફતાર

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
રાજકોટમાં રિક્ષા ચાલક રૂા. 3.13 લાખના માદક પદાર્થ સાથે ગિરફતાર 1 - image


કેરિયર તરીકે કામ કરતો હોવાનું ખૂલ્યું યુપીની બોર્ડરથી એકથી વધુ માદક પદાર્થ લઇ આવ્યો હતો, મુખ્ય આરોપીને ઝડપી લેવા તજવીજ

રાજકોટ, : રામાપીર ચોકડીના પૂલ નીચેથી એસઓજીએ ૩.૧૩ લાખના માદક પદાર્થ સાથે રીક્ષા ચલાવતા કેતન અશોકદાન ઉધાસ (ઉ.વ.૩૯, રહે. લાભદીપ સોસાયટી, શેરી નં. 3, રામાપીર ચોકડી પાસે)ને ઝડપી લીધો હતો. તપાસમાં તે કેરિયર તરીકે કામ કરતો હોવાનું અને યુપીથી માદક પદાર્થ લઇ આવતો હોવાનું ખૂલ્યું છે.

એસઓજીના પીઆઈ એસ.એમ. જાડેજા અને પીએસઆઈ આર.જે. કામળીયાએ મળેલી ચોક્કસ બાતમીના આધારે કેતનને અટકાવી તલાશી લેતા તેના પેન્ટના પાછળના ખિસ્સામાંથી 62.72 ગ્રામ માદક પદાર્થ મળી આવ્યો હતો. એફએસએલ અધિકારીને બોલાવી તપાસ કરાવતાં હેરોઇન અને બ્રાઉન સુગર હોવાનો અભિપ્રાય આપ્યો હતો. 

આમ છતાં ખરેખર હેરોઇન છે કે બ્રાઉન સુગર તે માટે એસઓજીએ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો અભિપ્રાય મંગાવ્યો છે. હેરોઇન અને બ્રાઉન સુગરમાં એક પ્રકારના જ તત્વો હોય છે. હેરોઇન બ્રાઉન સુગરની સરખામણીમાં વધુ શુધ્ધ હોય છે. 

આરોપી કેતનની પૂછપરછ કરતાં એસઓજીને જાણવા મળ્યું હતું કે તે માદક પદાર્થોના કેરિયર તરીકે કામ કરે છે. એટલું જ નહીં યુપીના ગોરખપૂરની બોર્ડરથી માદક પદાર્થ લઇ આવતો હતો. તે એકથી વધુ વખત ખેપ મારી આવ્યાનું બહાર આવ્યું છે. તેને જે શખ્સ માદક પદાર્થ લેવા માટે મોકલતો હતો, તેને ઝડપી લેવા એસઓજીએ તજવીજ શરૂ કરી છે. 

આરોપી કેતન પાસેથી એસઓજીએ 3.13 લાખનો માદક પદાર્થ, રૂા. 10,000નો મોબાઇલ ફોન, રૂા. 1300 રોકડા મળી કુલ રૂા. 3.24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી કેતનનો કોઇ ગુનાઇત ઇતિહાસ નહીં હોવાની હાલ એસઓજીને માહિતી મળી છે. માદક પાદર્થોના વેપલા સાથે સંકળાયેલા મોટા ભાગના શખ્સો તેના બંધાણી હોય છે. જ્યારે આરોપી કેતન બંધાણી નહીં હોવાની માહિતી એસઓજીને મળી છે. તેનો કેરિયર તરીકે ઉપયોગ કરનાર મુખ્ય આરોપી પકડાયા બાદ માદક પદાર્થોના નેટવર્ક અંગે વધુ માહિતી ખૂલે તેવી શક્યતા છે. 


Google NewsGoogle News