મહુવા માર્કેટીંગ યાર્ડમાં એક જ દિવસમાં લાલ કાંદાની પોણા 3 લાખ કટ્ટાની આવક નોંધાઈ
- એક સપ્તાહમાં બીજી વખત ડુંગળીની આવકથી યાર્ડ છલકાયું
- સૌરાષ્ટ્રમાંથી ખેત જણસીકની ધુમ આવકનો સિલસિલો જારી, યાર્ડમાં લાલ અને સફેદ કાંદાના સૌથી ઉંચા ભાવ બોલાયા
ગત લાભ પાંચમના પર્વથી મહુવા માર્કેટીંગ યાર્ડમાં વિવિધ ખેતજણસીઓની આવકમાં વધારો થઈ રહ્યો છે. ગત પખવાડીયાથી મહુવા યાર્ડમાં મગફળી અને લાલ અને સફેદ કાંદાની આવકમાં વિક્રમજનક આવક થવા લાગી હતી. એક તબકક્કે ગત બુધવારે તો મગફળીની ચોતરફથી ધૂમ આવક થતા યાર્ડના સત્તાધીશોને મગફળીની આવક બંધ કરવાની ફરજ પડી હતી અને ત્યારબાદ છેક શુક્રવારે સાંજથી ફરી મગફળીની આવક શરૂ કરવામાં આવી હતી.મહુવા યાર્ડમાં મગફળી અને કાંદાની ચોતરફથી થતી ધૂમ આવકનો સિલસિલો યથાવત જારી રહ્યો હતો. શુક્રવારે મહુવા યાર્ડને સાંકળતા આસપાસના હાઈવે પર દિવસ દરમિયાન નાના મોટા અનેક હેવી લોડેડ ખાનગી વાહનોની કતારો દ્રશ્યમાન થઈ હતી. લાલ ડુંગળીની બે લાખ અને ૭૫ હજાર કટ્ટાઓની જંગી આવક થતા મહુવા યાર્ડની પ્રોપર જગ્યા ડુંગળીના કટ્ટાઓથી ભરાઈ જતા દેવળીયા ખાતે યાર્ડ દ્વારા ભાડે રાખવામાં આવેલી જગ્યાએ ફરી વખત ડુંગળીના જથ્થા ઉતારવાની ખેડૂતોને ફરજ પડી હતી.મહુવા યાર્ડમાં સરેરાશ ૪૫૦ થી ૬૦૦ ના ભાવ મળી રહ્યા હોય સૌરાષ્ટ્રભરના ખેડૂતભાઈઓમાં ઉત્સાહ વધી રહ્યો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, મહુવા યાર્ડમાં તા.૧૩ ડિસે.ને શુક્રવારે લાલ ડુંગળીની ૭૭,૨૭૨ થેલીઓનું વેચાણ કરવામાં આવ્યુ હતુ. જેના સૌથી ઉંચા રૂા ૭૬૮ ભાવ બોલાયા હતા. જયારે સફેદ ડુંગળીની ૨૦,૯૭૮ થેલીઓનું વેચાણ કરાયુ હતુ. જેના સૌથી ઉંચા ૬૭૨ ભાવ બોલાયા હતા. મહુવા યાર્ડમાં કાંદાની વિક્રમજનક આવક થઈ રહી હોય અન્ય રાજયોના ૨૦ થી વધુ વેપારીઓ મહુવા પંથકમાં ડુંગળીની ખરીદી માટે સતત રોકાણનો સમયગાળો સતત વધારી રહ્યા છે.