વરસાદથી નુકસાન મુદ્દે નજીવું વળતર આપતા ખેડૂતોએ સહાયના ચેક કૃષિમંત્રીને પરત કર્યા
- મુળી તાલુકાના ખેડૂતોનો અનોખો વિરોધ
- મુળી, થાન સહિતના તાલુકાઓમાં નુકસાનીના સર્વેમાં ગેરરીતિનો આક્ષેપ : સરકાર દ્વારા યોગ્ય ઉકેલ નહીં આવે તો હાઈકોર્ટમાં જવાની ખેડૂતોની ચિમકી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ગત ચોમાસામાં મુળી, થાન, ચોટીલા સહિતના અનેક તાલુકાના ખેડૂતોના પાકને અતીવૃષ્ટિને કારણે મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું જે અંગે સરકારે સહાય પેકેજ જાહેર કર્યું હતું. પરંતુ જીલ્લાના ખેડૂતોને સરકાર દ્વારા પાકને થયેલ નુકસાન અંગે નજીવી રકમની સહાય ચુકવી ખેડૂતો સાથે મશ્કરી કરી હોય તેવી સ્થિતિ સર્જાતા રોષે ભરાયેલા ખેડૂતોએ સહાયની રકમના ચેક સાથે ખેતીવાડી કચેરી ખાતે એકત્ર થયા હતા અને સહાયની રકમના ચેક કૃષી મંત્રીના નામે લખી રકમ પરત કરી અનોખી રીતે વિરોધ કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત ચોમાસામાં અતિવૃષ્ટિ તેમજ અનિયમીત વરસાદને કારણે ખેડૂતોના કપાસ, મગફળી સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. સરકાર દ્વારા નુકસાની અંગે સર્વે હાથધરી ખેડૂતોને થયેલા નુકસાન અંગે સહાય ચૂકવી હતી. પરંતુ મુળી તાલુકાના ગઢડા, ખાટડી, દુધઈ, સરા, વેલાળા (ધ્રા), રાયસંગપર, પલાસા સહિતના અનેક ગામમાં સર્વેની ટીમ દ્વારા નિયમો નેવે મુકી ખેતરો સુધી તપાસ કર્યા વગર ઓફિસમાં બેસી સર્વેના ખોટા આંકડાઓ દર્શાવતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હોવા છતાં ઓછું નુકસાન દર્શાવી તેમજ ખોટું પંચરોજકામ કરવામાં આવતા ખેડૂતોને નુકસાની પેટે નજીવી રકમની સહાય સરકાર દ્વારા ચુકવવામાં આવી છે.
ખેડૂતોઓએ સ્થાનીક ખેતીવાડી વિભાગ સહિત સર્વેની ટીમ, ગ્રામસેવક, તલાટી સહિતનાઓની બેદરકારી અને મીલીભગતના કારણે ઓછી રકમની સહાય મળી હોવાનો આક્ષેપ કર્યો હતો. સરકાર દ્વારા નુકસાની અંગે સહાયની જાહેરાત કરવામાં આવી હતી તે સમયે બિનપીયત વિસ્તારમાં પ્રતિ હેકટર રૂા.૧૧,૦૦૦ અને પીયત વિસ્તારમાં પ્રતિ હેકટર રૂા.૨૨,૦૦૦ બે હેકટરની મર્યાદામાં ચુકવવાની જાહેરાત કરી હતી. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્વેની ટીમ દ્વારા ખેડૂતોને બે હેકટર જમીન કરતા વધારે જમીનમાં નુકસાન થયું હોવા છતાં આંકડાઓમાં ગોલમાલ કરી ઓછું નુકસાન દર્શાવતા ખેડૂતોને નુકસાની સામે નજીવી રકમની સહાય ખાતામાં જમા થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. મુળી તાલુકાના અનેક ગામોના ખેડૂતો, સરપંચો અને આગેવાનો જિલ્લા ખેતીવાડી કચેરી ખાતે એકત્ર થયા હતા. ખેડૂતોએ સરકાર સામે રોષ દાખવી ખેડૂતોને ચૂકવેલા સહાય પેટેના ચેક સાથે લાવી કૃષીમંત્રી રાધવજી પટેલને પરત કર્યા હતા. આગામી સમયમાં સરકાર દ્વારા યોગ્ય ઉકેલ નહીં આવે તો ખેડૂતોએ હાઈકોર્ટ સુધી લડત આપવાની તૈયારી પણ દર્શાવી હતી.
એક જ સર્વે નંબરમાં અલગ-અલગ સહાય ચુકવાઇ
મુળી તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોને અતિવૃષ્ટિથી નુકસાન થયું છે પરંતુ ગામની સીમમાં એક જ સર્વે નંબરમાં આવેલ ખેતરોમાં સર્વેની ટીમ દ્વારા અલગ-અલગ પ્રમાણમાં નુકસાન દર્શાવતા બાજુબાજુમાં ખેતરો આવ્યા હોવા છતાં સહાયની રકમ વધુ-ઓછી ચુકવવામાં આવતા ખેડૂતોમાં પણ અચરજ જોવા મળી હતી.
સર્વે દરમિયાન ખેડૂતો, તલાટીને સાથે ન રાખ્યા
મુળી તાલુકાના અનેક ગામોમાં સર્વે દરમ્યાન ગ્રામસેવકે નિયમો નેવે મુકી ખેડૂત તેમજ તલાટીને સાથે રાખ્યા વગર છુટક-છુટક ખેતરોમાં સર્વે કરી નાંખ્યો હોવાથી અને બેઠા બેઠા સર્વે કરી નાંખતા ખેડૂતોને નુકસાની સામે નજીવી રકમનું વળતર મળ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
પલાસા ગામમાં સહાયના ચેકમાં તંત્રની બેદરકારી
મુળી તાલુકાના પલાસા ગામના ખેડૂત ખાતેદારને વર્ષોથી મળવાપાત્ર સાંથણીની જમીન મળી છે પરંતુ આ જમીન ક્યા સર્વે નંબરમાં છે તેનાથી ખેડૂત ખાતેદાર પણ અજાણ હોવા છતાં તેના ખાતામાં નુકસાની પેટે સહાય જમા થતાં ખેડૂતને પોતે પણ નવાઈ લાગી છે.
જિલ્લા ખેતીવાડી અધિકારીનો સબ સલામતનો દાવો
ખેડૂતોની રજુઆતને પગલે જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.એ.પરમારે ખેડૂતોની રજુઆત સરકાર સુધી પહોંચાડવા જણાવ્યું હતું અને સર્વે બાબતે કોઈપણ જાતની ગોલમાલ કે બેદરકારી નહીંં થઈ હોવાનો દાવો કર્યો હતો. તેમજ સબ સલામત હોવાનું જણાવી પોતાની જવાબદારીથી હાથ ઉંચા કર્યા હતા.